વિરમગામ તાલુકાના નાની કુમાદ ગામ પાસેથી પસાર થતી નર્મદાની સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાંથી આજે 19 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.મૃતકની ઓળખ વિરમગામના દરજીની વાડી પાસે રહેતા દર્શિલ મહેશભાઈ દરજી તરીકે થઈ છે.ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં કેનાલ કિનારે એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરી હતી.

મૃતક દર્શિલ ITIમાં અભ્યાસ કરતો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક દર્શિલ ITIમાં અભ્યાસ કરતો હતો.તાજેતરમાં જ આવેલા પરિણામમાં તે પરીક્ષામાં નાપાસ થતાં ભારે હતાશામાં સરી પડ્યો હોવાની વિગતો સામે આવી છે. નાપાસ થવાના માનસિક આઘાતમાં તે ગત બે દિવસ અગાઉ પોતાના ઘરેથી કોઈને પણ કહ્યા વગર અચાનક ગુમ થઈ ગયો હતો.પરિવારે તેની સગા સંબંધીઓ અને જાણીતા સ્થળોએ ભારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો નહોતો.આજે નાની કુમાદ ગામ પાસેથી વહેતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવકનો મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી. 

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

તપાસ કરતા આ મૃતદેહ બે દિવસથી ગુમ થયેલા દર્શિલનો જ હોવાનું સામે આવ્યું હતું.પ્રાથમિક વિગતો મુજબ હતાશામાં આવીને દર્શિલે કેનાલમાં પડતું મૂકીને પોતાની જીવનલીલા ટૂંકાવી લીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.બનાવની જાણ થતાં જ વિરમગામ ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારબાદ મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે વિરમગામની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આશાસ્પદ યુવાનના આકસ્મિક અવસાનથી પરિવારજનો પર દૂખનો પહાડ તૂટી પડ્યો છે.આ મામલે વિરમગામ ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ ચાલુ કરી છે.


આ પણ વાંચોઃ Vadodara News: માંજલપુરમાં ન્યૂડ કોલ સેન્ટર ઝડપાયું, 'Stripchat' એપથી ચાલતો હતો ખેલ