અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના પીપળી ગામે ચોતરફ પાણી ફરી વળતા ભારે કટોકટીભરી સ્થિતિ સર્જાઈ છે.ગામની ચારે બાજુ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અનેક લોકો ફસાઈ ગયા હતા.આ બનાવની જાણ થતાં જ તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક ધોરણે એનડીઆરએફની ટીમને સ્થળ પર રવાના કરવામાં આવી હતી.એનડીઆરએફની ટીમે સમયસૂચકતા દાખવીને ગામમાં ફસાયેલા લોકોનું સલામત સ્થળે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી.
58 લોકોનું સ્થળાંતર કરવા કવાયત શરૂ
સ્થાનિક તંત્ર અને એનડીઆરએફ દ્વારા કુલ 58 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.જે અંતર્ગત જોખમમાં મુકાયેલા 30 બાળકો, 21 મહિલાઓ અને 7 પુરુષો સહિત તમામ 58 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.ભારે વરસાદ બાદ સાબરમતી અને ભોગાવો નદીઓના ઉપવાસમાંથી પાણીની મોટી આવક થતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું સામે આવ્યું છે.હાલ પાણીનું સ્તર વધુ હોવા છતાં NDRFની ટીમ દ્વારા સતત રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે અને બાકીના લોકોને પણ બહાર કાઢવા માટે ઓપરેશન હજુ પણ ચાલુ જ છે.
