મહેસાણા જિલ્લાના સતલાસણ ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડીને લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ અને તેના એક ખાનગી સાગરીતને 83 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
એસીબીની ટીમ દ્વારા સફળ છટકું ગોઠવવામાં આવ્યું
સતલાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અને તેમના સાથીદારો વિરુદ્ધ જુગારનો ગુનો નોંધાયો હતો. આ ગુનાના કામે પોલીસ સ્ટેશનમાં હાજર કરી માર નહીં મારવાના અવેજ પેટે આરોપી પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ વીરમાભાઈ ચૌધરીએ ફરિયાદી પાસે એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝક અંતે રૂ. 83 હજાર લેવાનું નક્કી થયું હતું. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા સફળ છટકું ગોઠવવામાં આવ્યું હતું.
