ડાંગ જિલ્લામાં ‘હરિયાળા ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે સુબીર ખાતે આવેલી નવજ્યોત હાઈસ્કૂલના પ્રાંગણમાં જિલ્લા કક્ષાના 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિશાળ સંખ્યામાં પદાધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

‘એક પેડ મા કે નામ 3.0’ અંતર્ગત વૃક્ષારોપણનો સંદેશ

વન મહોત્સવ દરમિયાન ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિજયભાઈ પટેલે નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગરૂક બનવા હાકલ કરી હતી અને દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસ અથવા અન્ય શુભ પ્રસંગોએ ઓછામાં ઓછું 1 વૃક્ષ વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લે તેવી અપીલ કરી હતી.

ડાંગ જિલ્લામાં 6 લાખથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક

પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં 11 કરોડ વૃક્ષો વાવવાનો મહત્વાકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. આ રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે માત્ર ડાંગ જિલ્લામાં જ 6 લાખથી વધુ વૃક્ષોનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે, જે ડાંગના પ્રાકૃતિક સૌંદર્યમાં ઉમેરો કરશે.

Dang News: 77th Van Mahotsav Celebrated in Subir; MLA Vijay Patel Attends Event

વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક અર્પણ

કાર્યક્રમ દરમિયાન વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને આર્થિક સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

  • માલિકી યોજના: 6 લાભાર્થીઓને કુલ 45.18 લાખ રૂપિયાના સહાયના ચેક અપાયા.
  • એગ્રોફોરેસ્ટ્રી યોજના: 2 લાભાર્થીઓને 1.20 લાખ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવી.
  • લખપતિ દીદી યોજના: 2 સખી મંડળોને 24 લાખ રૂપિયાના ચેક એનાયત કરવામાં આવ્યા.

ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વનકર્મીઓનું સન્માન

વૃક્ષારોપણ અને નાણાકીય સહાય વિતરણની સાથે સાથે વન વિભાગમાં ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર વનકર્મીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડાંગના કુદરતી વારસાને જાળવી રાખવા અને સમગ્ર જિલ્લાને વધુ હરિયાળો બનાવવા માટે વૃક્ષ વાવવાની સાથે તેના જતન અને સંવર્ધનનો મક્કમ સંદેશ આપવામા આવ્યો હતો.


આ પણ વાંચો - Dangમાં દારૂના જથ્થા પર પોલીસનો સપાટો! 4 આરોપી ઝડપાયા, રૂ.9.44 લાખનો મુદ્દામાલ જપ્ત