ડાંગ જિલ્લાના સુબીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર દારૂના મોટો જથ્થા પર દરોડો પાડીને સફળ કામગીરી કરી છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે ગવહાણ ગામના બારીપાડા ફળિયામાં છાપો મારીને રૂ. 4,33,000થી પણ વધુની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન સ્થળ પરથી 4 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ દરોડામાં કુલ 3,032 નંગ વિદેશી દારૂની બોટલ, 350 નંગ બિયરના ટીન અને 61 નંગ દેશી દારૂના ટેંગો પાઉચ મળી આવ્યા હતા.

રૂ. 9.44 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

બુટલેગરો પાસેથી મળેલા દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલા વાહનો અને અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે. જેમાં એક સ્વિફ્ટ કાર, 2 મોટરસાઈકલ (બાઈક), 3 મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે. આ તમામ ચીજવસ્તુઓ મળીને પોલીસે કુલ રૂ. 9,44,345 નો મુદ્દામાલ સીઝ કર્યો છે. દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા વાહનો કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

8 ઈસમો વોન્ટેડ જાહેર

આ સફળ કામગીરી સુબીર પોલીસ અને ડાંગ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે સંયુક્ત રીતે હાથ ધરી હતી. ઝડપાયેલા ચારેય આરોપીઓ સામે સુબીર પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, દારૂના આ ગેરકાયદેસર નેટવર્કમાં સંડોવાયેલા અન્ય 8 ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ તમામ ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Bhavnagar નકલી દારૂકાંડનો મોટો ખુલાસો, 3 બુટલેગરે વિદેશી બોટલમાં દેશી દારૂ ભેળવ્યો...!