ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સતત અને ભારે વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની આ આફત વચ્ચે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. મુસળધાર વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે.

આહવા-સાપુતારા નેશનલ હાઇવે પર ધસી આવી ભેખડ

ભારે વરસાદના કારણે ડાંગના પહાડી વિસ્તારોમાં ભેખડો ધસવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન આહવા-સાપુતારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-953 પર એક મસમોટી ભેખડ ધસી આવી હતી, જેના કારણે હાઇવે પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. જોકે, માર્ગ અને મકાન વિભાગની ટીમે કોઈપણ વિલંબ વિના યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને આ મોટી ભેખડને તાત્કાલિક દૂર કરી દીધી હતી અને વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.

Dang News: Landslide Debris Cleared on Ahwa-Saputara Highway, Traffic Restored

કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિશાળ ટીમ તૈનાત

આ સમગ્ર બચાવ અને સફાઈ કામગીરી ડાંગ જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ચાલી રહી છે. ચોમાસાના જોખમોને પહોંચી વળવા માટે વિભાગ દ્વારા ગ્રાઉન્ડ પર 17 જેસીબી, 8 ટ્રેક્ટર અને 150થી વધુ કુશળ શ્રમિકોની વિશાળ ફોજ ઉતારવામાં આવી છે. આ ટીમ દિવસ-રાત જોયા વગર રસ્તાઓ સાફ રાખવા માટે ખડેપગે તૈનાત છે.

Dang News: Landslide Debris Cleared on Ahwa-Saputara Highway, Traffic Restored

રસ્તાઓ પરથી કાટમાળ, વૃક્ષો અને કાદવ હટાવવાની ઝુંબેશ

મુખ્ય માર્ગો પર માત્ર ભેખડો જ નહીં, પરંતુ ભારે પવન અને વરસાદના કારણે ધરાશાયી થયેલા વૃક્ષો, પથ્થરો અને કાદવ-કીચડ જમા થઈ ગયા હતા. તંત્રની ટીમો દ્વારા હાઇવે તેમજ આસપાસના રસ્તાઓ પરથી આ તમામ નડતરરૂપ કાટમાળ ઝડપથી હટાવવામાં આવી રહ્યો છે, જેથી વાહનો સ્લિપ થવાની કે અકસ્માત થવાની શક્યતાઓ નહિવત થઈ જાય.

Dang News: Landslide Debris Cleared on Ahwa-Saputara Highway, Traffic Restored

જિલ્લાના તમામ મુખ્ય માર્ગો ખૂલ્યા, વાહનચાલકોને સાવચેત રહેવા અપીલ

માર્ગ અને મકાન વિભાગની અવિરત મહેનતના પરિણામે હાલ ડાંગ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે નિયમિત અને સુરક્ષિત રીતે ચાલી રહ્યો છે. જોકે, હજુ પણ ભારે વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિક વાહનચાલકોને ઘાટ માર્ગો પર અત્યંત સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Gujarat Weather Update: 5 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક અને અતિભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ?