દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક ધામ ગણાતા ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. સતત પડી રહેલા વરસાદને કારણે સમગ્ર ડાંગ જિલ્લો લીલીછમ ચાદર ઓઢીને ખીલી ઊઠ્યો છે.

પ્રકૃતિપ્રેમીઓ ગીરા ધોધ ખાતે ઉમટી પડ્યા
https://twitter.com/sandeshnews/status/2099116598825202137

ડાંગ જિલ્લો લીલીછમ ચાદર ઓઢીને ખીલી ઊઠ્યો

વરસાદના કારણે ડાંગના ડુંગરાળ વિસ્તારોમાંથી વહેતા નાના-મોટા ઝરણાં અને સુપ્રસિદ્ધ શિવઘાટ ફરી એકવાર પૂર્ણ વેગ સાથે સક્રિય બન્યા છે. આ આહલાદક અને મનમોહક દ્રશ્યોને કારણે ડાંગનું કુદરતી સૌંદર્ય બેવડાઈ ગયું છે.ડાંગમાં સાર્વત્રિક વરસાદને પગલે વિશ્વપ્રસિદ્ધ ગીરા ધોધનું ભવ્ય અને રૌદ્ર સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. ઉપરવાસથી આવતા પાણીના જંગી જથ્થાને કારણે ધોધ પૂર્ણ પાંખે વહેતાં આ અદ્ભુત નજારો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓ ગીરા ધોધ ખાતે ઉમટી પડ્યા છે.

અંબિકા અને ખાપરી નદીમાં પૂર જેવો ધસમસતો પ્રવાહ

બીજી તરફ, ભારે વરસાદને કારણે ડાંગની મુખ્ય જીવાદોરી સમાન અંબિકા અને ખાપરી નદીમાં પૂર જેવો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. નદીઓ બંને કાંઠે વહેતી થતાં સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ અણબનાવ ન બને તે માટે કડક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. પ્રશાસને સ્થાનિક રહીશો અને પ્રવાસીઓને અંબિકા તેમજ ખાપરી નદીના પટ કે કાંઠે ન જવા માટે ખાસ એડવાઇઝરી અને અપીલ જાહેર કરી છે.

આ પણ વાંચો: Explainer: રાજ્યમાં ડુપ્લિકેટ દારૂ બનાવતી દેશી ફેક્ટરીઓનો પર્દાફાશ,ભાવનગરથી કચ્છ અને મોરબી સુધી કેમિકલવાળા ‘ઝેર’નું નેટવર્ક