ડાંગ જિલ્લામાં વરસેલા મસમોટા ધોધમાર વરસાદને કારણે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, પરંતુ સાથે સાથે વાહનવ્યવહાર પર ભારે અસર પડી છે. વરસાદી પ્રવાહના કારણે જિલ્લાના અનેક ગ્રામીણ માર્ગો ધોવાઈ ગયા છે. આ દરમિયાન પ્રસિદ્ધ પ્રવાસન ધામ સાપુતારા બાદ જાણીતા ડોન હિલ સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર પહાડ પરથી ભેખડો ધસી પડવાની ઘટના બની હતી.

મોટા પથ્થરો અને માટી પડતાં વાહનવ્યવહાર ઠપ્પ

ડોન હિલ સ્ટેશન તરફ જતાં રસ્તા પર પહાડ પરથી માટી અને મહાકાય પથ્થરો નીચે આવી પડતાં રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. માર્ગ પર પથ્થરોનો ભરાવો થઈ જતાં પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોની અવરજવર અટકી ગઈ હતી અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. ઘટનાને પગલે રસ્તાની બંને તરફ વાહનોની લાઈનો લાગી ગઈ હતી.

માર્ગ અને મકાન વિભાગની યુદ્ધના ધોરણે કામગીરી

ઘટનાની જાણ થતાં જ ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. તંત્ર દ્વારા જેસીબી અને જરૂરી મશીનરી સાથે સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહમત બાદ માર્ગ પરથી મોટા પથ્થરો અને માટી દૂર કરીને રસ્તાને વાહનવ્યવહાર માટે પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો.

સ્થાનિકો અને પ્રવાસીઓએ તંત્રની કામગીરીને બિરદાવી

આપત્તિના સમયે વહીવટી તંત્રની આવી ઝડપી અને સરાહનીય કામગીરી જોઈને સ્થાનિક રહીશો તેમજ પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. કોઈ પણ જાતની મોટી હોનારત કે, લાંબા ટ્રાફિક જામ વગર ટૂંક સમયમાં માર્ગ ખુલ્લો કરી દેવા બદલ લોકોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.


આ પણ વાંચો - Dang Rain : વઘઈમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક સ્થળોએ વૃક્ષો પડતાં રસ્તાઓ બંધ