ડાંગ જિલ્લામાં મેઘરાજાનો કહેર યથાવત રહેતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થતાં માર્ગ વ્યવહાર ખોરવાયો છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની પણ અનેક ઘટનાઓ સામે આવી છે, જેના કારણે કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર અસ્થાયી રીતે બંધ કરવાની ફરજ પડી હતી.

ભૂસ્ખલનની ઘટનાઓ સર્જાઈ

જિલ્લામાં સૌથી વધુ વરસાદ વઘઈ તાલુકામાં નોંધાયો છે. વઘઈમાં 169 મીમી (લગભગ 6 ઇંચથી વધુ) વરસાદ વરસ્યો છે. જ્યારે આહવામાં 97 મીમી, સુબીરમાં 69 મીમી અને સાપુતારામાં 64 મીમી વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ભારે વરસાદને કારણે આહવા–સાપુતારા, વઘઈ–આહવા તેમજ મહાલ–સુબીર માર્ગો પર અનેક સ્થળોએ વૃક્ષો પડી જવા અને ભૂસ્ખલનની ઘટનાઓ સર્જાઈ હતી.

અનેક સ્થળોએ વૃક્ષો પડતાં માર્ગો અવરોધાયા 

માર્ગો અવરોધિત થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે જિલ્લા પ્રશાસન, માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને માર્ગો પરથી પડેલા વૃક્ષો અને કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી સ્થળોએ મશીનરી તેમજ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે કામગીરી શરૂ

બીજી તરફ સાપુતારા વિસ્તારમાં ભારે વરસાદ અને પવનના કારણે હાઈ ટેન્શન (HT) વીજ થાંભલો ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ થતાં જ DGVCLની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વીજ પુરવઠો સુરક્ષિત રીતે બંધ કરીને અવરોધ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી.

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેના પગલે જિલ્લા તંત્રએ નાગરિકોને નદી-નાળાઓથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને વરસાદ દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવાની અપીલ કરી છે.

આ પણ વાંચો : Monsoon 2026 : રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, આગામી 48 કલાક અતિભારે! દક્ષિણ ગુજરાતમાં 'રેડ એલર્ટ'