ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજથી ડાંગ જિલ્લાના 72 કલાક એટલે કે 3 દિવસના સઘન પ્રવાસે આવી પહોંચ્યા છે. પ્રવાસના પ્રારંભે તેમણે જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આદિવાસીઓના આરાધ્ય ભગવાન બિરસા મુંડા સહિત લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકર અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાઓને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ મંત્રીએ આહવાના પૌરાણિક અને આસ્થાના કેન્દ્ર એવા દંડકેશ્વર મહાદેવ મંદિરે શીશ ઝુકાવી દર્શન-અર્ચન કરી રાજ્યની સુખાકારી માટે આશીર્વાદ મેળવ્યા હતા.

72 નવનિયુક્ત વિદ્યાસહાયકોને નિમણૂક પત્રોનું વિતરણ

ડાંગ જિલ્લાના શૈક્ષણિક વિકાસને વેગ આપવા માટે નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના 72 જેટલા નવનિયુક્ત વિદ્યાસહાયકોને નિમણૂક અંગેના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ તમામ નવનિયુક્ત શિક્ષકોને અભિનંદન પાઠવી, અંતરિયાળ વિસ્તારના બાળકોના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા પ્રેરણા આપી હતી.

ઘોઘલી ગામે આદિવાસી પરિવારના ઘરે દેશી ભોજનનો માણ્યો સ્વાદ

પ્રવાસ દરમિયાન નાણામંત્રીની સાદગી અને લોકસંપર્કની અનોખી ઝલક જોવા મળી હતી. કનુ દેસાઈએ ડાંગ જિલ્લાના ઘોઘલી ગામે રહેતા રાજેશભાઈ ગોપીચંદ ભોયેના નિવાસસ્થાને મુલાકાત લઈ પરિવાર સાથે ભોજન લીધું હતું. મંત્રીએ ડાંગની પરંપરાગત વાનગીઓ જેવી કે નાગલીનો રોટલો, ભુજ્યું, અડદની દાળ અને તીખી-મીઠી દેશી ચટણીનો ભરપૂર સ્વાદ માણી સ્થાનિક સંસ્કૃતિને બિરદાવી હતી.


સંગઠનના વિવિધ મોરચા અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે સંવાદ

આ પ્રવાસ અંતર્ગત નાણામંત્રીએ ડાંગ જિલ્લા ભાજપ સંગઠનના વિવિધ મોરચા જેમાં મહિલા મોરચો, SC, ST અને OBC મોરચાના હોદ્દેદારો તથા કાર્યકરો સાથે બેઠક યોજી સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, આજના ડિજિટલ યુગમાં સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી તેમણે જિલ્લાના યુવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ સાથે વિશેષ સંવાદ સાધી તેમના વિચારો જાણ્યા હતા.


આ પણ વાંચો: Dang News: માનસિક અશક્ત યુવતી પર દુષ્કર્મનો આરોપ, કોંગ્રેસ આગેવાન દીપક પિંપળેની ધરપકડ