ભારત સરકાર દ્વારા 15મી ઓગસ્ટ' 2019ના રોજથી અમલમાં મૂકાયેલી મહત્ત્વાકાંક્ષી જલ જીવન મિશન (નલ સે જલ કાર્યક્રમ) અંતર્ગત દેશના તમામ રાજ્યોના ગામોમાં ઘર-ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે. આ અભિયાનના ભાગરૂપે, ગુજરાતના નસર્ગિક અને પર્વતીય વિસ્તાર એવા ડાંગ જિલ્લામાં પણ ભૂગર્ભ સ્ત્રોતો તથા સપાટી સ્ત્રોતો જેવા કે ચેકડેમ, બોરવેલ અને ભૂગર્ભ કુવાઓ દ્વારા પીવાની પાણીની યોજનાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.

221 ગામોમાં વિશેષ કામગીરી અને 311 ગામોમાં સર્વે

જલ જીવન મિશનની માર્ગદર્શિકા મુજબ ડાંગ જિલ્લાના તમામ 311 ગામોમાં વ્યાપક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકાના કુલ 221 ગામોમાં પીવાના પાણીની યોજનાઓનું સફળ નિર્માણ અને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં આ તમામ વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાઓ સંબંધિત ગ્રામ પંચાયતો દ્વારા ઉત્તમ રીતે O & M (ઓપરેશન અને મેન્ટેનન્સ) હેઠળ ચલાવવામાં આવી રહી છે.

Dang News Jal Jeevan Mission Transforms Dang District with Tap Water (1)

પાણી ભરવાની વર્ષો જૂની વેદનામાંથી મુક્તિ

ભૂતકાળમાં ડાંગ જિલ્લાના ગ્રામજનો, વિશેષ કરીને મહિલાઓએ પીવાના પાણી માટે હેન્ડપંપ અને દૂરના કુવાઓ પર નિર્ભર રહેવું પડતું હતું. તે જમાનામાં રોજિંદા જીવનના 3 થી 4 કલાક માત્ર પાણી ભરવામાં જ પસાર થઈ જતા હતા. આ ભારે સંઘર્ષના કારણે મહિલાઓ ન તો ખેતીના કામમાં કે ધંધા-રોજગારમાં પૂરતું ધ્યાન આપી શકતી હતી અને ન તો પોતાના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે પૂરતો સમય ફાળવી શકતી હતી.

Dang News Jal Jeevan Mission Transforms Dang District with Tap Water (2)

મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનો નવો સૂર્યોદય

જ્યારે સેક્ટર રિફોર્મ સ્કીમ અને જલ જીવન મિશન (નલ સે જલ) યોજના અંતર્ગત ગામના દરેક ઘરના આંગણે નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચ્યું, ત્યારે ડાંગની માતાઓ અને બહેનોનું જીવન પલટાઈ ગયું. પાણી ભરવામાં બગડતો કિંમતી સમય બચવા લાગ્યો, જેના પરિણામે તેઓ કૃષિ કાર્ય, વ્યવસાય અને બાળકોના શિક્ષણ પાછળ પૂરતો સમય ફાળવવા લાગી. આ સાથે જ પરિવારના સ્વાસ્થ્યમાં મોટો સુધારો થયો અને પશુપાલન વ્યવસાય અપનાવીને તેઓ આર્થિક રીતે પણ આત્મનિર્ભર બની રહી છે.


આ પણ વાંચો: Dang News : 4 ટકા નફાની લાલચ આપીને પડાવ્યા અંદાજે રૂ. 69 લાખ, નિતિનભાઈ ભારતી વિરુદ્ધ આહવા SOG માં ફરિયાદ નોંધાઈ