ડાંગ જિલ્લામાં ગઈકાલે વરસેલા અનરાધાર વરસાદના કારણે પહાડોની જમીન પોચી પડી ગઈ છે. જેના પરિણામે સાપુતારાના પ્રખ્યાત પર્યટન સ્થળ સનરાઇઝ પોઇન્ટની નજીક તેમજ મુખ્ય ઘાટ માર્ગના કેટલાક વળાંકો પર પહાડો પરથી અચાનક મોટા-મોટા પથ્થરો અને માટીના ભેખડો રોડ પર ખાબક્યા છે.
સાપુતારામાં પથ્થરો ખાબકતાં ઘાટ માર્ગ અવરોધાયો
https://twitter.com/sandeshnews/status/2074027438980677699
પાણી ભરાયા અને ટ્રાફિક જામની સ્થિતિ
અચાનક બનેલી લેન્ડસ્લાઇડની આ ઘટનાના કારણે ઘાટ માર્ગ પરથી પસાર થતા સેંકડો વાહનો રસ્તામાં જ થંભી ગયા હતા. પહાડી વિસ્તારોમાં ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે તો ક્યાંક પથ્થરોની આડશ આવી જવાના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી છે. વરસાદી માહોલ માણવા આવેલા પ્રવાસીઓમાં પહાડ ધસવાની આ ઘટનાને પગલે ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે. સદનસીબે, પથ્થરો ખાબક્યા તે સમયે કોઈ વાહન તેની ચપેટમાં ન આવતા મોટી જાનહાનિ ટળી છે.
તંત્ર દ્વારા રેસ્ક્યૂ અને એડવાઇઝરી
ઘટનાની જાણ થતાં જ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. માર્ગ પરથી ભારેખમ પથ્થરો અને કાટમાળ હટાવવા માટે તાત્કાલિક જેસીબી (JCB) મશીનો તૈનાત કરવામાં આવ્યા છે અને રસ્તાને વહેલી તકે પુનઃ કાર્યરત કરવાના પ્રયાસો ચાલુ છે. ઘાટ માર્ગ પર ધુમ્મસ અને વરસાદી પાણીના કારણે લપસણું વાતાવરણ હોવાથી વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે, પહાડી માર્ગો પર વાહનો અત્યંત ધીમી ગતિએ ચલાવે, સોશિયલ મીડિયા પર સત્તાવાર અપડેટ્સ જોયા પછી જ પ્રવાસનું આયોજન કરે અને વળાંકો પર ઓવરટેકિંગ કરવાનું બિલકુલ ટાળે.
આ પણ વાંચો: Amreli: જિલ્લામાં પૂરના પાણી ફરી વળતાં અને રસ્તાઓ તૂટતાં 21 માર્ગો બંધ થયા, પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે મરામત અને સફાઈ શરૂ