ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો ભારે ધામધૂમથી પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુજરાત તેમજ દેશભરમાંથી ચાલીને અને વિવિધ વાહનો મારફતે આવી રહેલા માઈભક્તોના પ્રવાહથી અંબાજી ધામ "જય અંબે" અને "બોલ માડી અંબા, જય જય અંબા"ના નાદથી ગુંજી ઉઠ્યું છે. મેળાના બીજા દિવસે જ કુલ 4,25,627 ભક્તોએ મા અંબાના નિજ મંદિરમાં શિશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

મા અંબાના ધામમાં ભક્તોનો અવિરત પ્રવાહ

આ સાથે જ ભાદરવી મેળાના પ્રારંભિક બે દિવસોમાં જ કુલ દર્શનાર્થીઓનો આંકડો 8,63,477 પર પહોંચી ગયો છે. માર્ગો પર પદયાત્રી સંઘોની ભારે ભીડ જોવા મળી રહી છે અને પ્રશાસન દ્વારા ભક્તો માટે સુચારુ દર્શન વ્યવસ્થા, પીવાના પાણી અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન મા અંબાના સુવર્ણ શિખર પર ધજા ચડાવવાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. મેળાના બીજા દિવસે દેશના ખૂણે-ખૂણેથી આવેલા વિવિધ પદયાત્રી સંઘો દ્વારા મા અંબાના શિખરે 337 જેટલી પવિત્ર ધજાઓ ચડાવવામાં આવી હતી.

2 દિવસમાં કુલ 8.63 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

બીજી તરફ, મા અંબાના ચરણોમાં શ્રદ્ધાળુઓ દ્વારા દિલ ખોલીને દાન અર્પણ કરવામાં આવી રહ્યું છે. મેળાના બીજા દિવસે મંદિરના ભંડારામાં ₹24,59,583 ની રોકડ આવક થઈ છે. જેને પગલે મેળાના શરૂઆતી બે દિવસ દરમિયાન મંદિર ટ્રસ્ટને મળેલી કુલ આવકનો આંકડો ₹57,49,121  નોંધાયો છે. આગામી દિવસોમાં પૂનમ નજીક આવતાં જ ભક્તોનો આ આંકડો અને દાનની સરવાણી હજુ વધુ ઉંચાઈએ પહોંચશે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Bhanvad: હાથલા ગામે પોલીસની હાજરીમાં કચરો વીણતા યુવકને 15 જેટલા ફટકા માર્યા, સરપંચ સહિત બે શખસો સામે વિરોધનો વંટોળ