દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલ હાથલા ગામેથી માનવતાને નેવે મૂકતી અને કાયદાના શાસન સામે સવાલો ઊભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. કચરો અને ભંગાર વીણીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક ગરીબ યુવકને સ્થાનિક લોકોએ ચોર સમજીને અટકાવ્યો હતો. ત્યારબાદ ગામના સરપંચ સહિત બે શખસોએ યુવક પર તૂટી પડીને પ્લાસ્ટિકના પાઈપ વડે જાહેરમાં 15થી વધુ ફટકા મારીને ક્રૂરતાપૂર્વક ઢોર માર માર્યો હતો.
યુવકને ક્રૂરતાપૂર્વક ઢોર માર માર્યો
https://twitter.com/sandeshnews/status/2102016798208229782
હાથલા ગામે ભંગાર વીણતા યુવકને ઢોર માર માર્યો
આ સમગ્ર કાયરતાપૂર્ણ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં દેખાતા દ્રશ્યો અનુસાર, નિઃસહાય યુવક દયાની ભીખ માગતો રહ્યો છતાં તેના પર સતત પાઈપ વડે પ્રહારો કરવામાં આવ્યા હતા.ઘટના બાદ યુવકને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા પ્રાથમિક તબક્કે યુવક સામે ચેપ્ટર કેસ (શાંતિ ભંગ અટકાવવાના પગલાં) કરવામાં આવ્યા હતા, પરંતુ તેની પાસેથી ચોરી કરેલી કોઈ પણ વસ્તુ કે ગુનાહિત કબૂલાત મળી આવી ન હતી. આ પરિસ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક પોલીસની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. ચર્ચા મુજબ, જો ઘટના સ્થળે કે બનાવ સમયે પોલીસની હાજરી હોવા છતાં આ કૃત્ય અટકાવવામાં ન આવ્યું હોય તો તે મોટો પ્રશ્ન છે.
સરપંચ સહિત બે સામે કડક કાર્યવાહીની માંગ
હવે પ્રજામાં મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે કાયદો હાથમાં લઈને નિર્દોષ અને ગરીબ યુવકને ઢોર માર મારનાર સરપંચ અને તેમના સહયોગી સામે પોલીસ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરશે? હાલમાં ગુજરાત પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરીને "બિફોર અને આફ્ટર" વીડિયો જાહેર કરવાનો સિલસિલો ચાલે છે, ત્યારે આ કેસમાં પણ ગુનેગારો સામે કડક દાખલો બેસાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
આ પણ વાંચો: Vadodara: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે; વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં આપશે હાજરી