ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. વડોદરા એરપોર્ટ ખાતે તેમનું વિમાન લેન્ડ થતાં જ ગુજરાત રાજ્ય અને વડોદરા શહેર વહીવટી તંત્ર દ્વારા તેમનું અત્યંત ઉષ્માભર્યું અને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતે દેશના પ્રથમ નાગરિકના આગમનને પગલે સમગ્ર એરપોર્ટ પરિસરમાં પ્રોટોકોલ મુજબની ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનું ગુજરાતમાં આગમન

વડોદરા એરપોર્ટ ખાતે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સેનાના મેજર જનરલ મોહિત ગાંધી તેમજ વડોદરા કલેક્ટર ડો. અનિલ ધામેલીયા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને રાષ્ટ્રપતિનું સાદર સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેવડિયામાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

એરપોર્ટ પર ટૂંકા રોકાણ અને સ્વાગત સમારોહ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વડોદરાથી સીધા એકતા નગર (કેવડિયા) જવા માટે રવાના થયા હતા. પોતાના ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં આયોજિત વિવિધ રાષ્ટ્રીય અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિના આ મહત્વપૂર્ણ ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને વડોદરા એરપોર્ટ, હાઇવે અને કેવડિયા સહિતના વિસ્તારોમાં ત્રિસ્તરીય ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ તંત્ર અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષા મોરચે તમામ પાસાઓ પર સઘન વોચ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Himmatnagar: ઇડર હાઇવે પર કાર ચાલકે 12 પદયાત્રીઓને હવામાં ફંગોળ્યા; ઉશ્કેરાયેલા ભક્તોએ સ્કોર્પિયને સળગાવી દીધી