દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થાનું ધામ ગણાતા જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરમાં બે માસ અગાઉ ભંડારા (દાનપાત્ર) ની ગણતરી વખતે દાનની ચોરી થયાની સનસનીખેજ ઘટના સામે આવી હતી. દર મંગળવારે અંબાજી મંદિરમાં ભંડારા ખોલીને દાનના નાણાંની ગણતરી કરવાની સ્થાપિત પરંપરા છે. આ ગણતરી પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન મંદિરના જ કર્મચારી ચિરાગ ઠાકોરે નજર ચુકવીને નોટોના એક આખા બંડલની ચોરી કરી લીધી હતી. આ બાબત ધ્યાન પર આવતા જ મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક ધોરણે અંબાજી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભંડારામાં ચોરી
https://www.instagram.com/reel/Dau0Cz7DQq9/?utm_source=ig_web_button_share_sheet
ત્રણેય કર્મચારીઓને ઘરભેગા કરી દેવાયા
અંબાજી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર અને તેની સાથે સંડોવાયેલા અન્ય બે કર્મચારીઓ વિવેક શર્મા તેમજ નિકુલ પટેલની ધરપકડ કરી લીધી હતી. આ ગંભીર અને શરમજનક ચોરીની ઘટનાને પગલે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેને લાલ આંખ કરી છે. તેમણે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, માતાજીના ચરણોમાં ચડતા દાનમાં સહેજ પણ ગેરરીતિ સાંખી લેવામાં આવશે નહીં. કલેક્ટરના કડક આદેશથી ચોરી કરનારા આ ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરી કાયમ માટે ઘરભેગા કરી દેવાયા છે.
તંત્ર દ્વારા નવી કડક SOP લાગુ
ભવિષ્યમાં ક્યારેય પણ અંબાજી મંદિરના દાનપાત્રના નાણાં સાથે આવી છેડછાડ કે ચોરી ન થાય તે માટે તંત્ર દ્વારા નવી અને સખત ગાઇડલાઇન (SOP) અમલી બનાવવામાં આવી છે. હવેથી ભંડારા ગણતરી રૂમની અંદર તેમજ બહાર ૨૦થી વધુ હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. આ કેમેરાના રેકોર્ડિંગને આગામી 6 મહિના સુધી સુરક્ષિત સેવ રાખવાની જોગવાઈ કરાઈ છે જેથી જરૂર પડ્યે ક્રોસ-વેરિફિકેશન કરી શકાય.
કર્મચારીઓનું ડ્યુઅલ મેટલ ડિટેક્ટર ચેકિંગ ફરજિયાત
આ ઉપરાંત, ગણતરી રૂમમાં પ્રવેશતા અને બહાર નીકળતા તમામ કર્મચારીઓનું ડ્યુઅલ મેટલ ડિટેક્ટર ચેકિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય લેતા કલેક્ટરે જણાવ્યું કે, પ્રક્રિયામાં 100 ટકા પારદર્શિતા લાવવા માટે હવે જ્યારે પણ મંદિરમાં ભંડારાની ગણતરી થશે, ત્યારે તેનું ચાચર ચોકમાં લાગેલી વિશાળ LED સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ નિર્ણયથી ભક્તો પણ પોતાની નજર સામે જ ભગવાનના દાનની ગણતરી જોઈ શકશે. તંત્રની આ કડક કવાયતથી ભક્તોમાં વહીવટી તંત્ર પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
આ પણ વાંચો: Gir Somnath: ગીરગઢડાના જુના ઉગલા ગામમાં તસ્કરોનો આતંક, 10 દિવસમાં બીજી ચોરીથી ફફડાટ