ગીર સોમનાથ જિલ્લાના સરહદી અને ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગીરગઢડા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ જાણે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગીરગઢડાના જુના ઉગલા ગામમાં ગઈકાલે રાત્રે તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા અને ઘરમાં રાખેલી રૂ. 1,60,000 ની રોકડ રકમ તેમજ કિંમતી સોના-ચાંદીના દાગીના ચોરી કરીને આસાનીથી રફુચક્કર થઈ ગયા હતા. સવારે જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે ચોરી થઈ હોવાની જાણ થતાં સ્થાનિક પોલીસને વાકેફ કરવામાં આવી હતી.
માત્ર 10 દિવસમાં બીજી ઘટનાથી ભય
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, જુના ઉગલા ગામમાં જ માત્ર 10 દિવસ પહેલાં પણ તસ્કરો ત્રાટક્યા હતા અને એક મકાનમાંથી રૂ. 2.21લાખની ચોરી કરી ગયા હતા. આ અગાઉની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ હજુ ફાંફા મારી રહી છે, ત્યાં જ તસ્કરોએ બીજા બંધ મકાનને સાફ કરી નાખતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આટલું જ નહીં, આજુબાજુના વડવિયાળા ગામમાં આશરે એક વર્ષ પહેલાં થયેલી રૂ. 10 લાખથી વધુની મોટી ચોરીનો ભેદ પણ આજદિન સુધી અકબંધ છે.
