યાત્રાધામ અંબાજી હાલમાં પરિવર્તનના દૌરમાંથી પસાર થઈ રહ્યું છે. અંબાજી મંદિરને વિશ્વકક્ષાનું ભવ્ય સ્વરૂપ આપવા માટે 'શક્તિ કોરિડોર'નું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બાંધકામને કારણે અંબાજીના આજુબાજુના મુખ્ય હાઈવે અને આંતરિક રસ્તાઓ પર વ્યાપક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જોકે, ડાયવર્ઝનવાળા રસ્તાઓ પર પણ સ્થાનિક વેપારીઓ અને અન્ય તત્વો દ્વારા નડતરરૂપ ગેરકાયદેસર દબાણો ખડકી દેવાતા છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી.
ગેટ નંબર 5, 6 અને 7 પાસે કડક કાર્યવાહી
શનિ-રવિ અને તહેવારોના દિવસોમાં માઈભક્તોની ભારે ભીડ ઉમટતી હોવાથી આ ટ્રાફિક વ્યવસ્થા સદંતર ખોરવાઈ જતી હતી. આ ગંભીર બાબતને ધ્યાને લઈને અંબાજી મંદિર પ્રશાસન, સ્થાનિક ગ્રામ પંચાયત/નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે મોટા કાફલા સાથે તંત્રની ટીમો અંબાજીના સંવેદનશીલ ગણાતા મંદિર ગેટ નંબર ૫, ૬ અને ૭ ની આસપાસ ત્રાટકી હતી. રસ્તાની બંને બાજુએ ફૂટપાથ પર કબજો જમાવીને બેસેલા લારી-ગલ્લા અને પાકા શેડને હટાવી દેવામાં આવ્યા હતા. વેપારીઓ સાથે કોઈ ઘર્ષણ ન થાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.










