જામ ખંભાળિયા-દ્વારકા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગત મોડી રાત્રે એક હૃદયધબકાવતી દુર્ઘટના સામે આવી છે. જામનગરના રહેવાસી એવા છ મિત્રો કાર લઈને દ્વારકાધીશના દર્શન કરવા ગયા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી, ધન્યતા અનુભવીને આ તમામ મિત્રો મોડી રાત્રે કારમાં જામનગર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ખંભાળિયા નજીક આવેલા હંજડાપર ગામના પાટીયા પાસે કાળ બનીને એક ઊંટ હાઈવેની વચ્ચે આવી ગયું હતું.
પૂરપાટ ઝડપે જતી કારનો કુરચો બોલી ગયો
રાત્રિના સમયે હાઈવે પર અંધારું હોવાના કારણે કારના ચાલકને રોડ પર અચાનક આવી ગયેલું ઊંટ દેખાયું નહોતું. કાર પૂરપાટ ઝડપે હોવાથી બ્રેક મારે તે પહેલા જ કાર ઊંટ સાથે ભયાનક રીતે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ અને બોનેટ સંપૂર્ણપણે કચડાઈ ગયા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર એક આશાસ્પદ યુવાનને માથા તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય પાંચ મિત્રો લોહીલુહાણ હાલતમાં કારની અંદર જ ચીસાચીસ કરી રહ્યા હતા.










