સુરત શહેર અને જિલ્લામાં લાંબા વિરામ બાદ મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર સવારી કરી છે. ઓલપાડ, કામરેજ, પલસાણા અને માંગરોળ પંથકમાં વહેલી સવાર સુધી અવિરત વરસાદ ચાલુ રહ્યો હતો. આ વરસાદના કારણે વાતાવરણમાં લાંબા સમયથી પ્રવર્તી રહેલો અસહ્ય બફારો ગાયબ થઈ ગયો છે અને સમગ્ર પંથકમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. ખેતી પ્રધાન વિસ્તારોમાં આ વરસાદથી ખેડૂતોમાં ભારે આનંદ છે, પરંતુ શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પાલિકા શાસકોની પોલ ખુલી ગઈ છે.
પવિત્ર સ્થાનકો અને રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
સૌથી ચોંકાવનારા દ્રશ્યો કીમ ગામમાંથી સામે આવ્યા છે, જ્યાં સ્થાનિક મહાદેવ મંદિરના ગર્ભગૃહ સુધી વરસાદી પાણી ફરી વળ્યા હતા. પ્રથમ વરસાદમાં જ શિવલિંગ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયું હતું. સવારે જ્યારે શ્રદ્ધાળુઓ પૂજા-અર્ચના માટે આવ્યા ત્યારે તેમને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. આ જ પ્રકારે પલસાણાના કડોદરા નગરપાલિકાની શ્રીનિવાસ સોસાયટીમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા લાઈનોની સફાઈ કરવામાં આવી જ નહોતી, જેના કારણે આ નરકાગારની સ્થિતિ સર્જાઈ છે.
હાઈવે અને લોકલ કનેક્ટિવિટી ખોરવાઈ, જનતામાં રોષ
સુરત મહાનગરપાલિકાના પર્વત ગામ વિસ્તારના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ જતાં રસ્તાઓ બેટ જેવા ભાસી રહ્યા હતા. નાના વાહનો અને ટુ-વ્હીલરો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડતી સુરત પાલિકાની બેદરકારી સામે હવે સામાન્ય જનતા રસ્તા પર ઉતરી રહી છે. જો સામાન્ય વરસાદમાં સ્માર્ટ સિટીની આ સ્થિતિ થતી હોય, તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન સુરતની હાલત શું થશે, તે વિચારીને જ નાગરિકો ધ્રુજી ઉઠ્યા છે.









