બનાસકાંઠા જિલ્લાના અંબાજી અને તેની આસપાસના પહાડી વિસ્તારોમાં હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. બપોરના સમયે અંબાજીનું આકાશ ઘેરા કાળાડીબાંગ વાદળોથી આચ્છાદિત થઈ ગયું હતું અને જોતજોતામાં સમગ્ર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો.
અંબાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
અંબાજી મંદિર ચાચર ચોક, બજાર વિસ્તાર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં માર્ગો ભીંજાઈ ગયા હતા. અંબાજી ખાતે રોજેરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતા અસહ્ય ઉકળાટ અને બફારાને કારણે યાત્રાળુઓ તેમજ વેપારીઓ તોબા પોકારી ઉઠ્યા હતા. જોકે, વરસાદી પધરામણી થતાં જ વાતાવરણમાં મનોહર ઠંડક પ્રસરી ગઈ હતી, જેથી મંદિરે પહોંચેલા દર્શાનાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
