પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે આધ્યાત્મિકતા અને આધુનિક ટેકનોલોજીનો અનોખો મિશ્રણ જોવા મળ્યો હતો. મેળામાં પધારેલા લાખો શ્રદ્ધાળુઓ માટે મંદિરના પવિત્ર ચાચર ચોક ખાતે એક ભવ્ય ડ્રોન શોનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
જય અંબે'ના ગગનભેદી જયઘોષથી ચાચર ચોક ગુંજ્યો
રાત્રિના અંધકારમાં 450થી વધુ અદ્યતન ડ્રોને આકાશમાં ઉડાન ભરીને એકથી એક ચડિયાતી અદ્વિતીય કલાકૃતિઓ કંડારી હતી, જેને જોઈને ઉપસ્થિત માઈભક્તો ભાવવિભોર અને મંત્રમુગ્ધ બની ગયા હતા.આ અદભુત ડ્રોન શો દરમિયાન આકાશમાં અંબાજીના નીજ મંદિરનું આબેહૂબ દ્રશ્ય રચાયું હતું. આ ઉપરાંત પવિત્ર ગબ્બર પર્વત, અખંડ જ્યોત તેમજ માં અંબાના વિવિધ દિવ્ય સ્વરૂપોની પ્રતિકૃતિઓએ આકાશી નજારામાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.

ડ્રોનથી સર્જાયો ભવ્ય આકાશી નજારો
આ દિવ્ય નજારાને જોઈ સમગ્ર ચાચર ચોક 'જય અંબે' અને 'બોલ માડી અંબે'ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઊઠ્યો હતો.પદયાત્રીઓ અને યાત્રાળુઓના આનંદ અને ઉત્સાહમાં વધારો કરવા માટે વહીવટી તંત્ર દ્વારા સતત બે દિવસ આ શો યોજવાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત આવતીકાલે પણ રાત્રે 8:00 કલાકે ચાચર ચોકમાં આ ડ્રોન શો પુનઃ યોજાશે.

આ પણ વાંચો: Sabarkantha: મુડેટી પાટિયા નજીક કારે છકડાને ઠોકર મારતાં 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત, ઘયલ લોકોને ભિલોડા સિવિલ હોસ્પિટલ ખસેડાયા