સાબરકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, જ્યાં 24 કલાકના ટૂંકા ગાળામાં જ અકસ્માતની બીજી ગંભીર ઘટના સામે આવી છે. ઈડર તાલુકાના મુડેટી પાટિયાથી માલાસા રોડ વચ્ચે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અંબાજી ખાતે દર્શન કરીને પોતાના વતન દાહોદ અને લુણાવાડા તરફ છકડામાં બેસીને પરત ફરી રહેલા 8 પદયાત્રીઓને એક પૂરપાટ ઝડપે આવતી ખાનગી કારે જોરદાર અડફેટે લીધા હતા.
કારે છકડાને અડફેટે લેતાં 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત
કારની ટક્કર એટલી ભયાનક હતી કે છકડો રસ્તા પરથી ફાંગોલાઈને બાજુના ખાડામાં પલટી મારી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં છકડામાં સવાર તમામ 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
