પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તિ, આસ્થા અને સેવાના ત્રિવેણી સંગમ સમાન વાર્ષિક ભાદરવી પૂનમ મહામેળાનું ભવ્ય સમાપન થયું છે. સાત દિવસ સુધી ચાલેલા આ મહામેળાના અંતિમ અને સાતમા દિવસે 4 લાખ 81 હજાર 922 માઇભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ સાતેય દિવસ દરમિયાન કુલ 43 લાખ 05 હજાર 391 જેટલા દર્શનાર્થીઓએ પવિત્ર ધામમાં શિશ નમાવ્યું હતું. મેળા દરમિયાન સમગ્ર અંબાજી પરિસર "બોલો મા અંબે... જય જય અંબે" ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનું ભવ્ય સમાપન
મહામેળા દરમિયાન ભક્તોની સુવિધા અને સેવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું હતું. સાત દિવસમાં મંદિરના ભંડારમાં કુલ રૂ. 2 કરોડ 16 લાખ 44 હજાર 619 ની આવક નોંધાઈ છે. આ ઉપરાંત, માતાજીના પ્રસાદ તરીકે 32 લાખ 31 હજાર 263 મોહનથાળ પ્રસાદના પેકેટનું વેચાણ થયું હતું, જ્યારે 4 લાખ 93 હજાર 889 ભક્તોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ભક્તોની તંદુરસ્તી માટે આરોગ્ય વિભાગ દ્વારા 3 લાખ 05 હજાર 214 દર્શનાર્થીઓને અને બાળ સુરક્ષા કેન્દ્ર દ્વારા 1 લાખ 43 હજાર 869 લોકોને વિશિષ્ટ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
