ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની આગામી ચૂંટણીને લઈને પાટનગરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ચૂંટણી પંચ દ્વારા પ્રક્રિયા શરૂ કરાયા બાદ રાજકીય પક્ષો અને અપક્ષ દાવેદારો દ્વારા ફોર્મ ભરવાનો ધમધમાટ પૂર્ણ થયો છે. ગાંધીનગર મનપાની ચૂંટણી માટે તમામ વોર્ડમાંથી મળીને કુલ 203 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં ઉમેદવારો વચ્ચે સૌથી વધુ ખેંચતાણ વોર્ડ નંબર 4 માં જોવા મળી રહી છે, જ્યાં સૌથી વધુ 25 ફોર્મ દાખલ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર મનપા ચૂંટણીનું સિયાસી રણશિંગું વાગ્યું
ચૂંટણીમાં રાજકીય પક્ષોના ગણિતની વાત કરીએ તો, શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાના તમામ 11 વોર્ડમાં ઉમેદવારો ઊભા રાખીને 85 ફોર્મ ભર્યા છે. સામે પક્ષે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પણ તમામ બેઠકો પર દાવેદારો રાખીને ૫૪ ફોર્મ રજૂ કર્યા છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી (AAP) એ આ વખતે ૪૨ ફોર્મ ભર્યા છે, જેમાં 3 વોર્ડ એવા છે જ્યાં 'આપ' દ્વારા માત્ર 3-3 ઉમેદવારો જ મેદાનમાં ઉતારાયા છે. આ ઉપરાંત 16 અપક્ષો, અન્ય પક્ષના 4 અને બહુજન સમાજ પાર્ટી (BSP) ના 2 ઉમેદવારોએ ફોર્મ ભરીને સિયાસી જંગ રસપ્રદ બનાવ્યો છે.
