આદ્યશક્તિની આરાધનાના પરમ પવિત્ર મહાપર્વ નવરાત્રી નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. ગબ્બર અને અંબાજી ધામમાં દેશભરમાંથી લાખો ભક્તોનું મહેરામણ ઉમટી રહ્યું છે, તેવા સમયે મુખ્યમંત્રીએ જગતજનની મા અંબાના નિજ મંદિરમાં ઉપસ્થિત રહી ભાવપૂર્વક શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ મા અંબાના ચરણોમાં પૂજન-અર્ચન કરીને સમગ્ર ગુજરાત રાજ્યની સુખ, શાંતિ, સલામતી અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
કલેક્ટર અને અંબાજી ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું સ્વાગત
મુખ્યમંત્રી અંબાજી મંદિર પરિસરમાં આગમન પામતાં જ તેમનું પરંપરાગત અને શાસ્ત્રોક્ત વિધિથી અભિવાદન કરવામાં આવ્યું હતું.બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પુષ્પગુચ્છ અને ખેસ અર્પણ કરીને સત્તાવાર સ્વાગત કર્યું હતું.મંદિર પરિસરમાં ઉપસ્થિત વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંગલકારી વૈદિક ઋચાઓ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રીનું પવિત્ર અભિવાદન કરાયું હતું.વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના ઉચ્ચ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
