અંબાજીમાં વિજયાદશમી નિમિત્તે યોજાયેલા પરંપરાગત રાવણ દહનના ધાર્મિક ઉત્સવ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવાનો અત્યંત ગંભીર અને શરમજનક પ્રયાસ કરવામાં આવ્યો છે. રાવણ દહન નિહાળવા ઉમટેલી હજારો ભક્તો અને સ્થાનિક નગરજનોની ભારે ભીડ વચ્ચે અચાનક અજાણ્યા ઉપદ્રવીઓએ જોરદાર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ અણધાર્યા હુમલામાં એક નાની બાળકી, સગર્ભા મહિલા અને સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત પોલીસ જવાન સહિત નિર્દોષ લોકો લોહીલુહાણ થયા છે. પથ્થરમારો શરૂ થતાં જ કાર્યક્રમ સ્થળે ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.
હજારોની ભીડ વચ્ચે પથ્થરો વરસ્યા, નિર્દોષ લોકો બન્યા ભોગ
અંબાજી ખાતે દશેરા પર્વની ઉજવણી અંતર્ગત યોજાયેલા રાવણ દહન કાર્યક્રમમાં પરિવારજનો, મહિલાઓ અને બાળકો સહિત વિશાળ જનમેદની એકત્રિત થઈ હતી.પૂતળા દહનની પ્રક્રિયા ચાલી રહી હતી તે સમયે અચાનક ટોળા તરફ પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.પથ્થરમારામાં એક નાની બાળકીને સીધો આંખના ભાગે પથ્થર વાગતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી.એક ગર્ભવતી મહિલાને પેટના ભાગે પથ્થર વાગતાં તે સ્થળ પર જ ફસડાઈ પડી હતી, જેના કારણે પરિવારજનોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ સર્જાયો હતો.ભીડને નિયંત્રિત કરવા માટે ફરજ પર હાજર રહેલા પોલીસકર્મીને પણ માથાના ભાગે જોરદાર પથ્થર વાગતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
