અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં દિવાળી જેવા પવિત્ર તહેવારની રાત્રે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થયેલી ડાબા-દુબાની અદાવત અને ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. ખાંભાના ભગતવી પરા વિસ્તારમાં થયેલી આ લોહિયાળ અથડામણમાં છરીના ઘા ઝીંકીને સુલતાનભાઈ દાઉદભાઈ સોલંકીની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે સન્નાટો અને રોષ ફેલાઈ ગયો હતો.
બે જૂથ વચ્ચેના ઝઘડામાં 5 થી વધુ લોકો થયા હતા ઘાયલ
આ ગંભીર ઘટના માત્ર એક હત્યા સુધી સીમિત ન હતી, પરંતુ બે જૂથ વચ્ચે થયેલા ઉગ્ર ઝઘડા અને મારામારીમાં 5 થી વધુ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તહેવારના માહોલ વચ્ચે બનેલી આ હિંસક ઘટનાએ પંથકમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. ઘાયલોને ત્વરિત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસ પકડમાં આવેલા 7 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર
ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ખાંભા પોલીસે કુશળતા પૂર્વક તપાસ હાથ ધરીને હત્યા કેસમાં સંડોવાયેલા કુલ 7 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ખાંભા પીઆઈ ચુડાસમા દ્વારા આ કેસમાં કડક અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઘટના સ્થળે આરોપીઓને લઈ જઈને કરવામાં આવ્યું રિકન્સ્ટ્રક્શન
રિમાન્ડ દરમિયાન ખાંભા પોલીસે કાયદો અને વ્યવસ્થાની હાજરીમાં તમામ 7 આરોપીઓને ભગતવી પરા સ્થિત હત્યાના અસલ બનાવ સ્થળ પર લઈ જઈને સમગ્ર ઘટનાનું ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપીઓએ કઈ રીતે હુમલો કર્યો અને છરીના ઘા ઝીંક્યા તેની બારીકાઈથી તપાસ કરી પોલીસે પુરાવા એકત્રિત કરવાની કવાયત તેજ કરી છે.
આ પણ વાંચો: Amreli News : વડિયાના કુંકાવાવમાં પૈસાની લેતીદેતી મુદ્દે એક જ જ્ઞાતિના જૂથો વચ્ચે જાહેરમાં જૂથ અથડામણ, Video Viral