અમરેલી જિલ્લાના વડિયા પંથકમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી વધુ એક ઘટના સામે આવી છે. વડિયાના કુંકાવાવ ખાતે ગઈકાલે બપોરે પૈસાની લેતીદેતીના મામલે એક જ જ્ઞાતિના લોકો આમનેસામને આવી ગયા હતા અને તેમની વચ્ચે ઉગ્ર જૂથ અથડામણ સર્જાઈ હતી. જાહેરમાં થયેલી આ મારામારી અને ધીંગાણાને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે ભય અને દોડધામ મચી ગઈ હતી. આ હિંસક ઘટનાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
જાહેરમાં મચાવી હતી ધમાલ
આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ, ભરત ઉર્ફે કાંબલી ઘાધલ દ્વારા વડિયા પોલીસ સ્ટેશનમાં કુલ 16 શખ્સો સામે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગઈકાલે બપોરે જાહેરમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે થયેલી આ મારામારી દરમિયાન લાકડીઓ, પાઇપ અને અન્ય હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી પર અને તેમના વાહનો પર હુમલો કરીને નુકસાન પહોંચાડવાના આ ગંભીર કેસમાં નામજોગ 16 ઇસમો સામે ગુનો દાખલ થતાં સમગ્ર ચકચાર જાગી છે.
