અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં ચોમાસાના પ્રારંભે જ અનરાધાર વરસાદ ખાબક્યો છે. રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી, સાવરકુંડલા, લાઠી, લીલીયા, બગસરા અને વડીયા સહિતના તમામ વિસ્તારોમાં મુસળધાર વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ અતિવૃષ્ટિના કારણે ગ્રામ્ય વિસ્તારોના અસંખ્ય ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
સ્થાનિક નદીઓમાં પૂર આવતા ખેતીની જમીનનું મોટાપાયે ધોવાણ
ભારે વરસાદને પગલે જિલ્લાની સ્થાનિક નદીઓ અને નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. નદીઓના પૂરના પાણી ખેતરોમાં ફરી વળતાં રાજુલા, ખાંભા અને સાવરકુંડલા પંથકમાં ખેતીની જમીનનું મોટાપાયે ધોવાણ થયું છે. પાણીના તીવ્ર પ્રવાહના કારણે ખેતરોના પાળાઓ અને સરહદો તૂટી ગઈ છે, જેનાથી ફળદ્રુપ માટી વહી ગઈ છે અને ખેડૂતોને જમીન સમથળ કરવાનું મોટું સંકટ ઉભું થયું છે.

સાવરકુંડલાના ચરખડિયા ગામે આગોતરું વાવેતર સંપૂર્ણ નિષ્ફળ
સાવરકુંડલા તાલુકાનું ચરખડિયા ગામ બિન-પિયત વિસ્તાર હોવાથી અહીંના ખેડૂતોએ ચોમાસા પહેલા જ આશા સાથે આગોતરું વાવેતર કરી દીધું હતું. પરંતુ આ આકાશી આફતે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. અનરાધાર વરસાદના કારણે ખેડૂતોએ નાખેલું મોંઘું બિયારણ અને ખાતર સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે. વાવેતર નિષ્ફળ જતાં ખેડૂતોને માથે મોટો આર્થિક ફટકો પડ્યો છે અને હવે ફરીથી વાવણી કરવાનો મોટો ખર્ચ ઉભો થયો છે.

જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન જોગડીયાએ નુકસાનીનું કર્યું નિરીક્ષણ
ખેડૂતો પર આવી પડેલી આ આફતના સમયે રાજકીય નેતાઓ અને વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન જોગડીયાએ ગ્રામ્ય વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્ત ખેતરોમાં જઈને જમીન ધોવાણ અને પાકને થયેલા નુકસાનનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને પીડિત ખેડૂતોને સાંત્વના આપી યોગ્ય રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

ધારાસભ્ય મહેશ કસવાળાએ સરકારને પત્ર લખી સહાયની માગ કરી
આ ગંભીર નુકસાની અંગે ધારી-બગસરાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ ખેડૂતોના હિતમાં તાત્કાલિક મોરચો સંભાળ્યો છે. તેમણે રાજ્ય સરકારને પત્ર પાઠવીને અમરેલી જિલ્લામાં વહેલી તકે વિશેષ સર્વે કરાવવા માગ કરી છે. આ ઉપરાંત ચરખડિયા ગામના સરપંચે પણ સરકારને લેખિત રજૂઆત કરી છે. ખેડૂતોને બિયારણ અને જમીન ધોવાણ પેટે વહેલામાં વહેલી તકે આર્થિક સહાય ચૂકવી મદદરૂપ થવા સરકારને ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Gujarat Weather Update: 5 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક અને અતિભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ?