અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી અકળાયેલા લોકો માટે આજે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન ખાતાની આગાહીની સીધી અસર અમરેલી જિલ્લાના વાતાવરણ પર જોવા મળી છે. અમરેલી શહેરમાં બપોરના સમયે આકાશમાં કાળાડીબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં ધીમીધારે વરસાદ શરુ થઈ ગયો હતો.
અમરેલી જિલ્લામાં ધીમીધારે વરસાદ શરુ
આ ઉપરાંત બાબરા તાલુકા મથક તેમજ આસપાસના લુણકી, ઇંગોરાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેરબાની કરી છે. ધીમીધારે પડેલા વરસાદને કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા અને વાતાવરણમાં સારો એવો પલટો આવ્યો હતો. બગસરા શહેરમાં છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધો હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. પરંતુ આજે બગસરા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા જ ખેડૂતોના મુખ પર ખુશીની લહેર દોડી ગઈ છે.
