રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલા મિશ્ર હવામાન અને તાપમાનના ઉતાર-ચઢાવના કારણે ઋતુજન્ય બીમારીઓએ માથું ઊંચક્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા દર્શાવે છે કે શહેરમાં વાયરલ ઈન્ફેક્શન અને મચ્છરજન્ય રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ઋતુજન્ય બીમારીઓએ માથું ઊંચક્યું

મનપાના રિપોર્ટ મુજબ, શહેરમાં ડેન્ગ્યુના 2 નવા કેસ સામે આવ્યા છે. આ સિવાય સામાન્ય અને વાયરલ તાવના 954 દર્દીઓ, શરદી-ઉધરસના 957 દર્દીઓ અને પાણીજન્ય ઝાડા-ઊલટીના 450 થી વધુ કેસ નોંધાયા છે, જેને પગલે સરકારી અને ખાનગી હોસ્પિટલોની ઓપીડીમાં દર્દીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.રોગચાળાના વધતા કેસોને પગલે આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં મચ્છરનાશક અને રોગચાળા નિયંત્રણ કામગીરી સઘન બનાવવામાં આવી છે. આરોગ્ય ટીમો દ્વારા ઘરોઘર અને વ્યાપારી સંકુલોમાં પોરાનાશક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગનું તારણ 

તંત્રની તપાસ દરમિયાન જ્યાં પોરા મચ્છરની ઉત્પત્તિ મળી આવી હતી તેવા ૩૯૨ ઘરો અને ૧૫૯ કોમર્શિયલ સ્થળોને સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે મિશ્ર હવામાનને કારણે વાયરલ અને પોરાજન્ય રોગોમાં વધારો થયો છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે શહેરમાં ઘરોઘર ફોગિંગ, દવા છંટકાવ અને મચ્છરનાશક કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. તદુપરાંત નાગરિકોને ઘર આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા અને ઉકાળેલું પાણી પીવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Bhavnagar: લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, બપોરે અચાનક વાતાવરણ બદલાતા વિવિધ વિસ્તારોમાં વરસાદ