અમરેલી જિલ્લાના બગસરા-ધારી બાયપાસ રોડ પર આજે એક વિચિત્ર અને ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ખાદ્ય તેલનો મોટો જથ્થો ભરીને પીપાવાવ પોર્ટ તરફ જઈ રહેલું એક કન્ટેનર બાયપાસ રોડ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક ચાલકે કાબૂ ગુમાવતાં કન્ટેનર પલટી મારી ગયું હતું.

ધારી બાયપાસ રોડ પર તેલ ભરેલું કન્ટેનર પલટી ગયું

કન્ટેનર પલટાઈ જતાં જ તેમાંથી હજારો લિટર તેલ લીક થઈને માર્ગ પર વહેવા લાગ્યું હતું. જોતજોતામાં રસ્તા પર તેલની નદીઓ વહેવા લાગી હતી અને આસપાસના ખેતરોમાં પણ તેલનો જથ્થો ફરી વળ્યો હતો.અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે આસપાસથી મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. જોકે, અકસ્માતનો ભોગ બનેલા કન્ટેનર ચાલકની મદદ કરવા કે તંત્રને જાણ કરવાના બદલે લોકો ઘરોમાંથી ડબ્બા, તપેલાં, ડોલ અને વાસણો લઈને તેલ ભરી જવા માટે દોડી આવ્યા હતા.

તેલ ભરી જવા લોકો દોડ્યા

રસ્તા પર વહી રહેલું તેલ મફતમાં ઘરે લઈ જવા માટે લોકો વચ્ચે ખેંચતાણ અને હોડ જામી હતી. માર્ગ પર લોકોની મોટી ભીડ જમા થઈ જતાં અને વાહનચાલકો તેલના કારણે સ્લિપ થવાના ભયથી વાહનો ઊભા રાખી દેતાં બાયપાસ રોડ પર ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લેવા મથી રહ્યો છે.

આ પણ વાંચો: Vadodara: સિકંદરપુરા ગામે રામદેવપીરના નેજા યાત્રામાં 8 થી 10 યુવાનોને લાગ્યો વીજ કરંટ! સરઘસમાં દોડધામ