અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા જેવા વન્યપ્રાણીઓના આતંકની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, પરંતુ હવે જિલ્લામાં રખડતા શ્વાનનો ભારે હાહાકાર મચી રહ્યો છે. અમરેલીના બગસરા શહેરમાં એક હિંસક બનેલા શ્વાને અલગ-અલગ વિસ્તારોમાં આતંક મચાવીને ભારે મચાવી દીધો છે. આ શ્વાને રસ્તા પરથી પસાર થતાં નિર્દોષ નાગરિકો પર હુમલા કરીને એકસાથે 10 લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા છે.
શ્વાને છલાંગ મારી બાળકને જમીન પર પછાડ્યો
બગસરામાં બનેલી આ ઘટનામાં સૌથી હૃદયદ્રાવક દ્રશ્યો ત્યારે સામે આવ્યા, જ્યારે આ હિંસક શ્વાને એક નાનકડા બાળક પર પાછળથી દોડીને જોરદાર છલાંગ મારી દીધી હતી. શ્વાને બાળકને જમીન પર પાડીને મોઢાના ભાગે બચકા ભરવા માટે દબોચી લીધો હતો. બાળકનો જીવ જોખમમાં મૂકાતા જ આસપાસ ઉભેલા સ્થાનિક લોકો અને વાલીઓ તાત્કાલિક લાકડીઓ લઈને બાળકની વહારે દોડી આવ્યા હતા અને શ્વાનને ભગાડીને બાળકને હોનારતમાંથી આબાદ બચાવી લીધું હતું.













