ગુજરાત પોલીસમાં ભરતીમાં લોકરક્ષક દળની પરીક્ષા 14 જૂનના રોજ લેવાઈ હતી. પરીક્ષા આપનારા ઉમેદવારો માટે એક સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સત્તાવાર પોસ્ટ કરીને LRDની લેખિત પરીક્ષા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવી છે.


14 જૂને લેવાયેલી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર

ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગત 14 જૂનના રોજ રાજ્યભરમાં યોજાયેલી લોકરક્ષક દળની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. પરીક્ષા આપીને પરિણામની રાહ જોઈ રહેલા ઉમેદવારો હવે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને આ આન્સર કી ચેક કરી શકે છે, અને પોતાના ગુણનું પ્રાથમિક મૂલ્યાંકન કરી શકે છે.


આન્સર કી સામે વાંધા રજૂ કરવા માટે ઓનલાઇન સુવિધા

પોલીસ ભરતી બોર્ડે જણાવ્યું છે કે, જો કોઈ ઉમેદવારને આ પ્રોવિઝનલ આન્સર કીના કોઈ પ્રશ્ન અથવા જવાબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો કે વિરોધ હોય, તો તેઓ તેના પુરાવા સાથે પોતાની રજૂઆત કરી શકે છે. આ માટે ઉમેદવારોએ ક્યાંય રૂબરૂ જવાની જરૂર નથી. પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી વાંધા અરજી સબમિટ કરવાની વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી છે.


24 જૂન સુધીમાં વાંધા નોંધાવવા આખરી તક

ઉમેદવારોએ ખાસ નોંધ લેવી પડશે કે, આન્સર કી સામે ઓનલાઈન વાંધા અરજી સબમિટ કરવા માટે બોર્ડ દ્વારા એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો આગામી 24 જૂન સુધીમાં જ પોતાના ઓનલાઈન વાંધા નોંધાવી શકશે. 24 જૂન પછી મળેલી કોઈ પણ અરજી કે રજૂઆતને બોર્ડ દ્વારા ધ્યાને લેવામાં આવશે નહીં. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા આખરી એટલે કે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે.


આ પણ વાંચો - Ahmedabad: રાજ્યભરમાં LRD ભરતીની લેખિત પરીક્ષા, 12,933 જગ્યાઓ માટે ઉમેદવારો આપશે કસોટી


  • Follow us on: