ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે રાત-દિવસ એક કરનારા લાખો ઉમેદવારો માટે આજનો દિવસ અત્યંત નિર્ણાયક સાબિત થવાનો છે. રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કાયદો અને વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે 12,933 લોકરક્ષકની જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાનું ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાને શાંતિપૂર્ણ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે તંત્ર છેલ્લા એક મહિનાથી તૈયારીઓ કરી રહ્યું હતું, જેનો આજે આખરી અંજામ અપાશે.

2.63 લાખ ઉમેદવારો અને એસટી નિગમની વિશેષ દોડધામ

આ લેખિત પરીક્ષામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 2.63 લાખથી વધુ ઉમેદવારો ઓનસ્ક્રીન ડિજિટલ હોલ ટિકિટ સાથે પરીક્ષા આપવાના છે. ઉમેદવારોને પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે તે માટે ગુજરાત એસટી (GSRTC) નિગમ દ્વારા વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ પર ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને અપીલ કરવામાં આવી છે કે છેલ્લી ઘડીના ટ્રાફિક જામ અથવા અણધારી આફતથી બચવા માટે પોતાના નિયત સમય કરતાં ઘણું વહેલું પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું.

સેન્ટરો પર ચુસ્ત ચેકિંગ અને ડિજિટલ વોચ

ભૂતકાળની ઘટનાઓમાંથી પાઠ ભણીને આ વખતે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક રાખવામાં આવી છે. રાજ્યભરના 878 કેન્દ્રોના તમામ ક્લાસરૂમ સત્તાવાર રીતે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેનું લાઈવ મોનિટરિંગ ગાંધીનગર કંટ્રોલ રૂમથી થઈ રહ્યું છે. પરીક્ષા હોલની અંદર મોબાઇલ, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર કે અન્ય કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લઈ જવા પર સખત પ્રતિબંધ મુકાયો છે. કેન્દ્રના મુખ્ય ગેટ પર જ મેટલ ડિટેક્ટર અને મહિલા-પુરુષ પોલીસ કર્મચારીઓ દ્વારા સઘન બોડી સર્ચિંગ કર્યા બાદ જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવનારા તત્વો પર પણ સાયબર ક્રાઈમની ટીમ નજર રાખી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad: રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર, ભેજ વધવાના કારણે નાગરિકો બફારાથી બેહાલ