ગુજરાતમાં હાલમાં કુદરતના બે જુદા જુદા સ્વરૂપો એકસાથે જોવા મળી રહ્યા છે. રાજ્યમાં અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે આકાશ વાદળછાયું બન્યું છે, જેના લીધે તાપમાનનો પારો બહુ ઊંચો નથી જઈ રહ્યો પરંતુ હવામાં ભેજનું પ્રમાણ 70 ટકાને પાર થઈ જતાં જનજીવન અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠ્યું છે. અમદાવાદમાં 41.3 ડિગ્રી અને અમરેલીમાં 41.2 ડિગ્રી સાથે સરેરાશ તાપમાન 40 થી 42 ડિગ્રીની વચ્ચે નોંધાતાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે.


અલ નીનોની એન્ટ્રી અને મધ્યમ ચોમાસાના સંકેત

હવામાન વિભાગના ડેટા એનાલિસિસ મુજબ, વૈશ્વિક સ્તરે પેસિફિક મહાસાગરમાં સર્જાતી 'અલ નીનો' ની સ્થિતિ સક્રિય થઈ ગઈ છે, જેની અસર ભારતીય ચોમાસાની પ્રગતિ પર પડી રહી છે. આ અસરના કારણે ચાલુ વર્ષે ગુજરાતમાં ચોમાસું ખૂબ ધમાકેદાર રહેવાને બદલે સામાન્યથી મધ્યમ પ્રકૃતિનું રહેશે. આ અંદાજને પગલે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને તે મુજબના પાક આયોજનની સલાહ આપવામાં આવી રહી છે.

11 થી વધુ જિલ્લાઓમાં કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં

ભલે ચોમાસું મધ્યમ રહેવાનું હોય, પરંતુ પ્રિ-મોન્સૂન સિસ્ટમ મજબૂત હોવાના કારણે આજે આખા રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને આદિવાસી જિલ્લા દાહોદ તથા મહિસાગરમાં પવન સાથે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ, દક્ષિણ ગુજરાતના તમામ મુખ્ય જિલ્લાઓ જેવા કે સુરત, નવસારી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ અને તાપી સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ ખાબકશે. સૌરાષ્ટ્રના અમરેલી અને સરહદી જિલ્લા કચ્છના વાતાવરણમાં પણ પલટો આવશે અને સાંજના સમયે વાવાઝોડા સાથે વરસાદી એન્ટ્રી થવાની સંભાવના છે.

આ પણ વાંચો: Himachal Pradesh : પ્રવાસીઓનો ધસારો હિલ સ્ટેશન પર, મનાલીથી લઈને ચમોલી સુધીની તમામ જગ્યાઓ હાઉસ ફૂલ


  • Follow us on: