અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલી ગીર પૂર્વ વન વિભાગની સરસિયા રેન્જના છતડીયા બીટમાંથી પસાર થતી રેલવે લાઇન પર આજે એક મોટો અકસ્માત બનતાં રહી ગયો હતો. જૂના છતડીયા ફાટક નજીક અચાનક 5 એશિયાટીક સિંહોનો પરિવાર એકસાથે રેલવે ટ્રેક પર આવી પહોંચ્યો હતો.
સિંહોનો પરિવાર રેલવે ટ્રેક પર આવી પહોંચ્યો
એ જ સમયે ટ્રેક પરથી પસાર થઈ રહેલી ટ્રેનના ચતુર પાઇલટે (ડ્રાઇવર) દૂરથી જ ટ્રેક પર સિંહોની હાજરી જોઈ લીધી હતી. પાઇલટે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેનને સિંહોથી સુરક્ષિત અંતરે થંભાવી દીધી હતી. ડ્રાઇવરની આ ત્વરિત સમયસૂચકતાના કારણે વનરાજ પરિવાર પર તોળાતું મોટું જોખમ ટળ્યું હતું.ઘટનાની જાણ થતાં જ ગીર પૂર્વ વન વિભાગના RFO જયશ્રીબેન પટાટ ના સીધા માર્ગદર્શન હેઠળ વનવિભાગની રેસ્ક્યૂ ટીમ, વનમિત્ર અને રેલમિત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટ્રેન અડધા કલાક સુધી ટ્રેક પર જ થોભાવી દેવામાં આવી હતી.
