પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલા બિલીયા ગ્રામ પંચાયતમાં ગ્રામજનો અને અરજદારો પાસેથી દાખલા તથા સરકારી જમીનના કાગળો કાઢી આપવાના નામે લાંચ લેવાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. બિલીયા ગ્રામ પંચાયતમાં VCE (વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રાઇઝ) તરીકે ફરજ બજાવતો 37 વર્ષીય મેહુલ પટેલ નાગરિકો પાસેથી સરકારી નિયમ મુજબની 20 રૂપિયાની ફી ઉપરાંત વધારાના રૂ. 50 થી લઈને રૂ. 1000 સુધીની રકમ બળજબરીપૂર્વક વસૂલતો હતો.
બિલીયા પંચાયતમાં ACB ના દરોડા
અરજદારો જ્યારે આવકનો દાખલો, મકાન/જમીનની આકારણી કે 7/12 અને 8-અ ના ઉતારા મેળવવા આવતા ત્યારે તેમની પાસેથી ગેરકાયદે નાણાંની માંગણી કરવામાં આવતી હતી.આ લાંચિયા કર્મચારીની નીતિ-રીતિથી કંટાળેલા એક જાગૃત અરજદારે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની રજૂઆતના આધારે એસીબીની ટીમે બિલીયા ગ્રામ પંચાયતમાં સફળ છટકું ગોઠવ્યું હતું.
