અમરેલી જિલ્લાના ગીર પંથક હેઠળ આવતા ધારી ગીર પૂર્વ વન વિભાગ વિસ્તારના દેવળા ગામની સીમમાં છેલ્લા બે દિવસથી ફેલાયેલા દીપડાના ભય અને દહેશતનો આખરે સુખદ અંત આવ્યો છે. ગતરોજ સીમ વિસ્તારમાં એક માસૂમ બાળકી પર જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરનાર હુમલાખોર દીપડાને વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ પાંજરે પૂરી લેવામાં મોટી સફળતા મેળવી છે. ગઈકાલની ઘટના બાદ વન વિભાગ દ્વારા તાબડતોબ અલગ અલગ ૩ સ્થળોએ પાંજરા ગોઠવી વ્યુહાત્મક વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન મોડી રાત્રે અંદાજે ૩:૦૦ વાગ્યાના સુમારે શિકારની શોધમાં નીકળેલો દીપડો પાંજરામાં ગોઠવેલા મારણની લાલચમાં આવી જતાં આબાદ કેદ થઈ ગયો હતો. હુમલાખોર વન્યજીવ ઝડપાઈ જતાં ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો દમ લીધો છે.
વન વિભાગની સચોટ વ્યૂહરચના
દેવળા ગામની સીમમાં ખેતરમાં પરિવાર સાથે રહેતી નિર્દોષ બાળકી પર અચાનક દીપડાએ હુમલો કરી દેતાં પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોમાં ફફડાટ ફેલાતાં વન વિભાગ સમક્ષ તાત્કાલિક પાંજરું મૂકવાની માંગ કરાઈ હતી.ધારી ગીર વન વિભાગની રેસ્ક્યુ ટીમે બાળકી પર હુમલાના સ્થળ તેમજ દીપડાની મૂવમેન્ટ ધરાવતા ત્રણ અલગ-અલગ સંવેદનશીલ પોઈન્ટ્સ પર તાત્કાલિક પાંજરા ગોઠવી તેમાં મારણ મૂક્યું હતું.રાત્રિના સુમારે સીમમાં આંટાફેરા મારી રહેલો દીપડો ખોરાકની લાલચે પાંજરામાં પ્રવેશતાં જ ખટાક દઈને પાંજરાનો દરવાજો બંધ થઈ ગયો હતો અને દીપડો તેમાં પુરાઈ ગયો હતો.પાંજરે પુરાયેલા દીપડાનું પ્રાથમિક નિરીક્ષણ કર્યા બાદ તેને તાત્કાલિક ધારી સ્થિત એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેનું વેટરનરી તબીબો દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.
