દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લા હેઠળ આવતા વાલોડ તાલુકાના દાદરિયા સ્થિત સહકારી ક્ષેત્રની જાણીતી ‘ધી મહુવા-વાલોડ કોપર સુગર મિલ’ માં સર્જાયેલી ગંભીર ઔદ્યોગિક દુર્ઘટનામાં અત્યંત કરુણ અને કાળજું કંપાવી દેનારો વળાંક આવ્યો છે. સુગર ફેક્ટરી પરિસરમાં કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ગરમ અને ઠંડા પાણીનો સંગ્રહ કરતી તોતિંગ વિશાળ ટાંકી અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી. આ ભયાનક હોનારતમાં કાટમાળ અને પાણીના પ્રવાહ નીચે લાપતા બનેલા બે સ્થાનિક કામદારોની શોધખોળ માટે મોડી રાત સુધી ભારે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આખરે કાટમાળ અને પાઇપલાઇન વચ્ચેથી બંને શ્રમિકોના નિષ્પ્રાણ મૃતદેહો મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની અને અરેરાટી વ્યાપી ગઈ છે.

કાટમાળ અને પાણીની લાઈનમાંથી મળ્યા મૃતદેહ

 મિલમાં રૂટિન મેન્ટેનન્સ અને પ્રોડક્શનની કામગીરી ચાલુ હતી ત્યારે અચાનક જ ગરમ અને ઠંડા પાણીની વિશાળ ટાંકીનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું. ક્ષણવારમાં જ હજારો લિટર પાણી અને લોખંડ-સિમેન્ટનો કાટમાળ નીચે કામ કરી રહેલા શ્રમિકો પર ફરી વળ્યો હતો. મૃત્યુ પામેલા બંને શ્રમિકો સ્થાનિક વિસ્તારના જ હોવાનું સામે આવ્યું છે. ધર્મેશ પટેલ (રહે. દાદરિયા ગામ, તા. વાલોડ)અરૂણ પટેલ (રહે. કલકવા ગામ, તા. વાલોડ), ટાંકી ધરાશાયી થવાની સાથે ત્યાંથી પસાર થતી મુખ્ય પાઇપલાઇનમાં બંને કામદારો ફસાઈ ગયા હતા. જેસીબી અને ગેસ કટરની મદદથી મોડી રાત સુધી ચાલેલી ભારે જહેમત બાદ બંનેના ક્ષત-વિક્ષત મૃતદેહો બહાર કાઢવામાં સફળતા મળી હતી. બંને મૃતદેહોને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પીએમ સહિતની તમામ કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી વહેલી સવારે મૃતદેહો શોકગ્રસ્ત પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

મિલ મેનેજમેન્ટ સામે રોષ, ફેક્ટરી ઇન્સ્પેક્ટરની તપાસ શરૂ

સુગર મિલમાં બનેલી આ ગંભીર દુર્ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો અને કામદારોમાં મેનેજમેન્ટની સુરક્ષા વ્યવસ્થા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.વર્ષો જૂની જર્જરિત ટાંકીનું યોગ્ય મેન્ટેનન્સ કેમ નહોતું કરાયું અને કામદારોની સલામતીના સાધનો વગર કામગીરી કેમ ચાલતી હતી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.તાપી જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH) દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લઈ ફેક્ટરીમાં સ્ટ્રક્ચરલ ઓડિટ અને અકસ્માતના ચોક્કસ કારણો અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Dahod: ANW એ બોરખેડા પાસે ફોરવ્હીલર આંતરી; 265 કિલો અફીણના ડોડા સાથે 47.89 લાખનો મુદ્દામાલ જપ્ત!