દાહોદ જિલ્લામાં માદક પદાર્થોની તસ્કરી સામે પોલીસે વધુ એક મોટો અને નિર્ણાયક સપાટો બોલાવ્યો છે. દાહોદ એન્ટિ-નાર્કોટિક્સ વિંગ (ANW) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે કતવારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બોરખેડા ગામ નજીક ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને ગેરકાયદેસર રીતે ઘૂસાડવામાં આવી રહેલા અફીણના ડોડા (પોસ્ટડોડા) નો તોતિંગ જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે શંકાસ્પદ ફોરવ્હીલર ગાડીને કોર્ડન કરી તલાશી લેતાં તેમાંથી 265.990કિલોગ્રામ જેટલો નશીલો પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે અંદાજે રૂપિયા 39.89 લાખની કિંમતનો માદક પદાર્થ અને રૂપિયા 8 લાખની ફોરવ્હીલર ગાડી મળી કુલ રૂપિયા 47.89લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરનો ગુનો નોંધ્યો છે.
બોરખેડા પાસે વોચ ગોઠવી અફીણના ડોડા ગાડી ઝડપી
દાહોદ ANW ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે સરહદી માર્ગેથી એક ફોરવ્હીલર ગાડીમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોનો મોટો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે, જેના આધારે બોરખેડા ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી.શંકાસ્પદ વાહનની તલાશી લેતાં તેમાંથી પ્લાસ્ટિકના કોથળાઓમાં પેક કરેલો કુલ 265 કિલો અને 990 ગ્રામ અફીણના ડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹39.89આંકવામાં આવી છે.તસ્કરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂપિયા 8 લાખ ની કિંમતની ફોરવ્હીલર ગાડી પણ પોલીસે જપ્ત કરી છે. માદક દ્રવ્યો અને વાહન મળીને પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા 47.89 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે.
