સુરત મહાનગરપાલિકા (SMC) ના ઈજનેરી વિભાગ અને વહીવટી તંત્રની અક્ષમ્ય બેદરકારીનો ભોગ વધુ એક નિર્દોષ વાહનચાલક બન્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા ઉધના-નવસારી મુખ્ય માર્ગ પર ફ્રુટ ભરીને જઈ રહેલો એક ટેમ્પો અચાનક પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટેમ્પોચાલક સહિત તેમાં સવાર ત્રણ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મનપા દ્વારા BRTS રૂટ પરથી લોખંડના બેરિકેડ્સ હટાવવામાં આવ્યા હતા, પરંતુ રસ્તાની સપાટી પર ચોંટેલી લોખંડની અણીદાર એંગલોને કાપીને લેવલ કરવાને બદલે જોખમી રીતે ખુલ્લી છોડી દેવામાં આવી હતી. આ બહાર નીકળેલી ખતરનાક એંગલમાં ટેમ્પોનું ટાયર ફસાઈ જતાં વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં ટેમ્પો રસ્તા વચ્ચે ગોથું ખાઈને પલટી ગયો હતો.
લાખો રૂપિયાના ફળો રસ્તા પર વેરાયા
ટેમ્પો પલટી જતાં અંદર ભરેલા મોંઘા ફળોના કેરેટ્સ રસ્તા પર પટકાયા હતા. સફરજન, મોસંબી અને દાડમ સહિતના ફળો રસ્તા પર વેરવિખેર થઈ જતાં વેપારીને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.અકસ્માત એટલો જોરદાર હતો કે ટેમ્પો રોડ પર ઢસડાયો હતો, જેમાં કેબિનમાં બેઠેલા ચાલક અને મજૂરો સહિત કુલ ત્રણ લોકોને ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ટેમ્પો મુખ્ય માર્ગની વચ્ચે પલટી ગયો હોવાથી અને રસ્તા પર ફળો વિખેરાઈ ગયા હોવાથી ઉધના-નવસારી માર્ગ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.
