ઉત્તર ગુજરાતના કરોડો રૂપિયાના ટર્નઓવર ધરાવતા સહકારી સામ્રાજ્ય સમાન સાબરડેરી તેમજ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ મોટો રાજકીય ડ્રામા સર્જાયો છે. મતદાન અને સત્તાવાર જાહેરાતના ગણતરીના કલાકો પહેલાં જ બંને મહત્વની સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા અચાનક મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
સાબરડેરી-બેંક ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ
વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત પ્રાંત અધિકારીની તબિયત અચાનક નાદુરસ્ત થતાં તેઓ રજા પર ઉતરી ગયા હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. જોકે, સહકારી અને રાજકીય વર્તુળોમાં આ ખુલાસો કોઈના ગળે ઉતરી રહ્યો નથી. પડદા પાછળની વાસ્તવિકતા એ છે કે ગાંધીનગરમાં યોજાયેલી મેરેથોન બેઠકો અને સેન્સ પ્રક્રિયા બાદ પણ ચેરમેન પદ માટે એક નામ પર સહમતી ન સધાતાં અને ૧૬ પૈકી ૯ જેટલા ડિરેક્ટરોમાં ભારે નારાજગી ફેલાતાં ભાજપમાં મોટો ભડકો થવાની ભીતિ વચ્ચે આ ચૂંટણીને પાછળ ઠેલવી પડી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
વહીવટી કારણ સામે સહકારી આલમમાં ઉઠ્યા ગંભીર સવાલો
ચૂંટણી મોકૂફીના આ નિર્ણય સામે અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. જો પ્રાંત અધિકારીની તબિયત ખરેખર બગડી હોય, તો નિયમ મુજબ ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા રજિસ્ટ્રાર કે અન્ય કોઈ સમકક્ષ વહીવટી અધિકારીને તાત્કાલિક ચાર્જ સોંપીને આટલી મોટી અને સંવેદનશીલ ચૂંટણી સમયસર કેમ સંપન્ન ન કરાવાઈ?ગતરોજ ભાજપ પ્રદેશ મોવડીમંડળ દ્વારા તમામ નિયામક મંડળને ગાંધીનગર બોલાવીને વન-ટુ-વન સમજાવવાના પ્રયાસો કરાયા હતા. પરંતુ ચેરમેન પદ માટે પૂર્વ ચેરમેન જેઠાભાઈ પટેલ, વિપુલ પટેલ, ભોગીલાલ પટેલ અને મણીભાઈ પટેલ જેવા દિગ્ગજો વચ્ચે સર્જાયેલી ખેંચતાણ ઉકેલી શકાઈ નહોતી. અંદરખાને ચાલતી ચર્ચા મુજબ બોર્ડના કુલ 16 ડિરેક્ટરોમાંથી 9 જેટલા ડિરેક્ટરો મોવડીમંડળ દ્વારા થોપવામાં આવનારા સંભવિત નામ સામે બળવાના મૂડમાં હતા. જો સીધું મતદાન કરાવવામાં આવે તો ક્રોસ વોટિંગ થઈ પક્ષના સત્તાવાર મેન્ડેટનો પરાજય થાય તેવો પાકો તખ્તો ઘડાઈ ચૂક્યો હતો. સાબરડેરીની સાથે સાથે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી પણ મોકૂફ રખાતાં બંને સંસ્થાઓ પર સત્તા જાળવી રાખવા માટેનો આંતરિક સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.
સહકારી રાજકારણમાં નવા સમીકરણો સર્જાવાના એંધાણ
ચૂંટણી મોકૂફ રહેતાં હવે પ્રદેશ સંગઠન અને સહકારી ક્ષેત્રના સુકાનીઓને અસંતુષ્ટ જૂથોને મનાવવા અને ડેમેજ કંટ્રોલ કરવા માટે વધારાનો સમય મળી ગયો છે.આ મોકૂફીના કારણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સહકારી રાજકારણમાં રાતોરાત નવાં સમીકરણો રચાઈ રહ્યાં છે. નારાજ ડિરેક્ટરોને અજ્ઞાત સ્થળે લઈ જવાની કે નવા હોદ્દાઓની વહેંચણીની ફોર્મ્યુલા તૈયાર કરવાની કવાયત તેજ બની ગઈ છે.હવે નવી તારીખ ક્યારે જાહેર થાય છે અને વહીવટી તંત્ર ક્યારે ચૂંટણી અધિકારીની નિમણૂક કરે છે તેના પર ઉત્તર ગુજરાતના લાખો પશુપાલકો અને ખેડૂતોની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો: Surat: વેસુમાં અમદાવાદ જેવો ગમખ્વાર કાંડ થતાં રહી ગયો; મહિલા કારચાલકે થાંભલો તોડી ફૂટપાથ પર સૂતેલા લોકોને લીધા અડફેટે