અમદાવાદના નિકોલમાં બેફામ ફોર્ચ્યુનરે ફૂટપાથ પર ચડી 3 નિર્દોષ લોકોનો ભોગ લીધો હતો, તેવા જ પ્રકારનો એક કાળજું કંપાવી દેતો અકસ્માત સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં સર્જાયો છે. સદનસીબે અહીં અમદાવાદ જેવી મોટી જાનહાનિ થતાં રહી ગઈ છે, પરંતુ બેદરકાર ડ્રાઇવિંગે ફરી એકવાર ફૂટપાથ પર સૂતેલા લાચાર શ્રમિકોની જિંદગી જોખમમાં મૂકી દીધી છે.
કાર સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાઈ
વેસુ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક લક્ઝુરિયસ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર સીધી રોડની સાઈડમાં આવેલા મજબૂત સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ત્યારબાદ ફૂટપાથ પર ચડી ગઈ હતી. આ ભયાનક ટક્કરમાં સ્ટ્રીટ લાઈટનો થાંભલો તૂટીને રસ્તા પર પટકાયો હતો, જ્યારે ફૂટપાથ પર સૂતેલા શ્રમિકો પૈકી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ અકસ્માત સર્જનાર કાર એક મહિલા ચલાવી રહી હતી.
