ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કમિશનરની કચેરી અને પરિવહન વિભાગ દ્વારા વહીવટી પારદર્શિતા અને સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે મોડી રાત્રે એક અભૂતપૂર્વ અને ધરખમ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરની વિવિધ પ્રાદેશિક વાહન વ્યવહાર (RTO) તેમજ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર (ARTO) કચેરીઓમાં ફરજ બજાવતા વર્ગ-3 ના 359 જેટલા સહાયક મોટર વાહન નિરીક્ષકોની એકસાથે સાગમટે બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોડી રાત્રે આ જંગી બદલીનું લિસ્ટ જાહેર કરવામાં આવતાં જ મોટર વાહન ખાતા સહિત રાજ્યભરની RTO કચેરીઓના કર્મચારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
અધિકારીઓની બદલીનું લીસ્ટ
https://epapercdn.sandesh.com/images/2026/11/06/D6wV8bMewOArE0cb5JP2shQQiGnXS59XnO1pP8It.pdf
વહીવટી પારદર્શિતા અને નિયમિત બદલીનો દોર
મોટર વાહન ખાતા હેઠળ વર્ગ-3 ની મહત્વની જગ્યા પર ફરજ બજાવતા 359 સહાયક મોટર વાહન નિરીક્ષકોને એકસાથે નવી જગ્યાઓ ફાળવી દેવામાં આવી છે.બદલી પામેલા તમામ અધિકારીઓને પોતાના વર્તમાન મથક પરથી તાત્કાલિક મુક્ત થઈને કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર સોંપાયેલા નવા પોસ્ટિંગ સ્થળે હાજર થઈ ચાર્જ સંભાળવા કડક સૂચના આપવામાં આવી છે. RTO કચેરીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ, વાહન ફિટનેસ, ચેકિંગ તેમજ દંડ વસૂલાત જેવી મહત્વની કામગીરી સંભાળતા નિરીક્ષકો વર્ષોથી એક જ સ્થાને અડ્ડો જમાવીને બેઠા હોવાની ફરિયાદો વચ્ચે વહીવટમાં ઝડપ અને સ્વચ્છતા લાવવા આ કવાયત હાથ ધરાઈ છે.
રાજ્યભરની કચેરીઓમાં ચહેરા બદલાશે
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છની મહત્વની ચેકપોસ્ટો અને આંતરિક કચેરીઓના ફિલ્ડ સ્ટાફમાં વ્યાપક પરિવર્તન આવશે.તહેવારોની મોસમ વચ્ચે આ બદલીના આદેશો થતાં વિભાગમાં આગામી દિવસોમાં કામગીરીનું નવું સેટઅપ ગોઠવવામાં આવશે.બદલીના આદેશોની અમલવારી પર કમિશનર કચેરી દ્વારા સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Surat: યુ.કે. જઈ કમાણી કરવાના સપના પર ફેરવી દીધું પાણી! અડાજણમાં વર્ક પરમિટના બહાને મહિલા સાથે 16.80 લાખની છેતરપિંડી