અમરેલી જિલ્લામાં ગઈકાલે રાઉન્ડ ધ ક્લોક પડેલા ભારે વરસાદે માત્ર રસ્તાઓ અને ડેમોને જ અસર નથી કરી, પરંતુ જિલ્લાના વીજ પુરવઠાની કમર તોડી નાખી છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના કારણે પીજીવીસીએલ (PGVCL) તંત્રને ચાલુ ચોમાસાનું સૌથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પૂરના પાણી અને તેજ પવનના કારણે જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં 40 થી 45 જેટલા વીજપોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા છે, જ્યારે 3 જેટલા મુખ્ય વીજ ટ્રાન્સફોર્મર બળી જવાથી અથવા તૂટી જવાથી નકામા થઈ ગયા છે.
ખાંભા પંથકમાં વીજળી ગુલ, જનજીવન પ્રભાવિત
આ આકાશી આફતની સૌથી ગંભીર અસર ખાંભા તાલુકામાં જોવા મળી છે. ખાંભા ગ્રામ્ય વિસ્તારના 13 જેટલા અંતરિયાળ ગામોમાં ગઈકાલથી જ વીજળી ગુલ થઈ ગઈ છે. વીજળી ન હોવાના કારણે આ ગામોમાં પીવાના પાણીના મોટર-પંપ બંધ પડ્યા છે અને મોબાઈલ નેટવર્ક કનેક્ટિવિટી પર પણ માઠી અસર થઈ છે. આ ઉપરાંત, પંથકમાં સૌથી વધારે ખેતીવાડી ફિડરો બંધ થઈ ગયા છે, જેને પગલે ગ્રામીણ અર્થતંત્ર અને ખેતીકામને મોટો બ્રેક વાગ્યો છે.
સાંજ સુધીમાં લાઇન ચાલુ થવાની આશા
નુકસાનીના આંકડા સામે આવતા જ PGVCLના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે. કાટમાળ અને પૂરના પાણી વચ્ચે પણ વીજ કંપનીના ટેકનિકલ સ્ટાફ અને લાઇનમેનોની ટીમો ક્રેન અને નવા વીજપોલ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ધરાશાયી થયેલા થાંભલાઓને હટાવીને નવા પોલ ઊભા કરવાની અને વાયરો સાંધવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. PGVCLના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, બંધ થયેલા ફિડરો પૈકી સ્થાનિક વપરાશના ફિડરોને સાંજ સુધીમાં ગમે તેમ કરીને ચાલુ કરી દેવામાં આવશે, ત્યારબાદ ખેતીવાડી ફિડરોનું સમારકામ હાથ ધરાશે.
આ પણ વાંચો: Dang Rain: સનરાઇઝ પોઇન્ટ પાસે પથ્થરો અને માટીના ભેખડો રોડ પર પડતા માર્ગ અવરોધાયો