સૌરાષ્ટ્રના જળસંકટગ્રસ્ત વિસ્તારોમાં ગણાતા અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં જળસંચયના ભગીરથ કાર્યોનું ઉત્કૃષ્ટ પરિણામ જોવા મળ્યું છે. લાઠીના અલી ઉદેપુર પાસેથી પસાર થતી જમકુડી નદી ચોમાસાના પ્રથમ વરસાદી ચરણમાં જ છલકાઈ ગઈ છે. નદીમાં વહીને આવેલા પૂરના પાણીનો યોગ્ય સંગ્રહ થતાં ચારેતરફ મનમોહક જળરાશિ જોવા મળી રહી છે.નોંધનીય છે કે, થોડા મહિનાઓ અગાઉ જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ જળસંચય અને નદી પુનરુત્થાનના કાર્યનું સત્તાવાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
સવજીભાઈ ધોળકિયાની જળસેવા સાર્થક થઈ
'જળ એ જ જીવન'ના સૂત્રને ચરિતાર્થ કરતા જાણીતા ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા હાથ ધરવામાં આવેલા જળસંચય અભિયાનના કારણે આજે જમકુડી નદીના 10 કિલોમીટરના વહેણમાં તોતિંગ જળસંગ્રહ શક્ય બન્યો છે. નદીમાં 10 કિમી સુધી પથરાયેલા પાણીના આકાશી (ડ્રોન) દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે, જે જોનારા દરેક વ્યક્તિને અચંબિત કરી રહ્યા છે. આ જળસંગ્રહને કારણે આસપાસના અલી ઉદેપુર, કેરાળા, મતીરાળા અને કૃષ્ણગઢ સહિતના ૫ જેટલા ગામોના ખેડૂતોને સીધો મોટો ફાયદો થશે.
