ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામની સીમમાં મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોધરા તરફથી મધ્યપ્રદેશ તરફ પુરઝડપે જઈ રહેલા કેમિકલ ભરેલા ટેન્કરના ચાલકે સ્ટેઅરિંગ પરથી કાબૂ ગુમાવતાં, રસ્તાની કાચી પાળી પર ઊભેલી પ્લાયવુડ ભરેલી ટ્રકની પાછળ ધડાકાભેર ટક્કર મારી દીધી હતી.

કેમિકલ લીક થઈને ભયાનક ધડાકો થયો 

ટક્કર એટલી પ્રચંડ હતી અને ટેન્કરમાં જ્વલનશીલ કેમિકલ ભરેલું હોવાથી ક્ષણવારમાં જ કેમિકલ લીક થઈને ભયાનક ધડાકો થયો હતો અને બંને વાહનોમાં કલ્પના ન કરી શકાય તેવી તોતિંગ આગ ફાટી નીકળી હતી.

બહાર નીકળવાની તક ન મળતા જીવતા ભૂંજાઈ ગયા

ટક્કર બાદ વાહનોની કેબિન પીલાઈ ગઈ હતી અને સાથે જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં અંદર સવાર ડ્રાઇવર અને કંડક્ટરને બહાર નીકળવાની કે જીવ બચાવવાની કોઈ તક મળી નહોતી. જોતજોતામાં બંને આ ભયાનક અગ્નિજ્વાળાઓની ઝપેટમાં આવી જતાં કમકમાટીભર્યા રીતે જીવતા સળગીને ભડથું થઈ ગયા હતા.

ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

અકસ્માત અને આગના ભયાનક દ્રશ્યો જોઈને હાઇવે પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને ડરનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ લીમખેડા અને આસપાસથી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ ઉપરાંત લીમખેડા પોલીસ અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી, મૃતકોની ઓળખ છતી કરવા સહિતની કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Tharad: શહેરમાં 3 દિવસમાં 6 ઇંચથી વધુ વરસાદ, સોસાયટીઓમાં પાણી ઘૂસતાં લોકોનું સ્થળાંતર