અમરેલી જિલ્લામાંથી પસાર થતી પ્રતિષ્ઠિત અને સેમી-હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અસામાજિક તત્વો દ્વારા નિશાન બનાવવાની ગંભીર ઘટના સામે આવી છે. સાબરમતીથી વેરાવળ તરફ દોડતી વંદે ભારત ટ્રેન જ્યારે અમરેલી જિલ્લાના લાઠી અને ખીજડિયા રેલવે સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે અજાણ્યા ઈસમોએ ટ્રેન પર અચાનક જોરદાર પથ્થરમારો કર્યો હતો. પથ્થર વાગવાના પ્રચંડ અવાજ સાથે ટ્રેનના આગળના ભાગનો કાચ તૂટી ગયો હતો, જેના પગલે અંદર બેઠેલા મુસાફરોમાં થોડીવાર માટે ભારે ફફડાટ અને નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મુસાફરને શારીરિક ઈજા પહોંચી નથી અને મોટી હોનારત ટળી છે.

વંદે ભારત પર અસામાજિક તત્વોનો પથ્થરમારો

અમરેલી જિલ્લા હેઠળ આવતા લાઠી અને ખીજડિયા રેલવે ટ્રેક વચ્ચે ટ્રેન પુરપાટ ઝડપે દોડી રહી હતી ત્યારે આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.અજાણ્યા શખ્સો દ્વારા ફેંકાયેલા પથ્થરના કારણે વંદે ભારત એક્સપ્રેસના આગળના ભાગની વિન્ડો/ગ્લાસ પર તિરાડો પડી ગઈ હતી અને કાચ તૂટી ગયો હતો. પથ્થરમારો થતાં જ મુસાફરો ચોંકી ઊઠ્યા હતા, પરંતુ સુરક્ષા કવચ અને ડબલ ગ્લાસ પ્રોટેક્શનના કારણે પથ્થર કોચની અંદર પહોંચ્યો નહોતો. તમામ યાત્રીઓ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની ખાતરી કરાયા બાદ ટ્રેનને તેના ગંતવ્ય સ્થાન વેરાવળ તરફ આગળ રવાના કરવામાં આવી હતી.

રેલવે વિભાગ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે

બનાવની જાણ થતાં જ પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) તેમજ સ્થાનિક પોલીસની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.ટ્રેક આસપાસ આવેલા ઝાડી-ઝાંખરા અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પથ્થરમારો કરનારા અસામાજિક તત્વોની ભાળ મેળવવા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.પથ્થરમારો કરનારા તત્વો કોણ હતા અને તેમનો ઇરાદો શું હતો તે દિશામાં રેલવે સુરક્ષા દળો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. સંવેદનશીલ રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં આવી અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવી શકાય.

આ પણ વાંચો: Ahmedabad: પ્રદૂષણ માપતા એક ડિસ્પ્લે પાછળ 12 લાખ ફૂંકી માર્યા ને 4 વર્ષથી સ્વિચ ઓફ! મનપા તંત્ર ઘોર નિંદ્રામાં!